હવે ઉત્તર પ્રદેશમાં સરકારી હોસ્પિટલમાં સર્જાતી ડૉક્ટરોની ખામીને દૂર કરવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે ડૉક્ટરોને પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂરો થયા બાદ સરકારી હોસ્પિટલમાં 10 વર્ષ સેવા આપવી જરૂરી રહેશે.
જેમાં અભ્યાસ પૂરો થયા બાદ તરત જ સરકારી નોકરી શરૂ થઈ જશે. આ સમય દરમિયાન જો ડૉક્ટર નોકરી છોડી દે છે, તો તેમને 1 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે. આટલું જ નહીં, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અધવચ્ચે અભ્યાસ છોડવા પર ત્રણ વર્ષ સુધી ફરીથી પ્રવેશ નહીં મળે. આ અંગે કહેવાય છે કે, સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટરોની અછતની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ઉત્તર પ્રદેશની યોગી સરકાર NEETમાં છૂટની પણ વ્યવસ્થા કરી છે.
આ ઉપરાંત હવે ગ્રામીણ વિસ્તારમાં એક વર્ષની નોકરી કર્યાં બાદ MBBS ડૉક્ટરોને NEET પ્રવેશ પરીક્ષામાં 10 અંકોની છૂટ આપવામાં આવે છે. જ્યારે બે વર્ષ સુધી અંતરિયાણ ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપવા પર 20 અંક અને ત્રણ વર્ષ માટે 30 અંકની છૂટ મળે છે. બીજી તરફ હવે ડૉક્ટર પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સની સાથે ડિપ્લોમા કોર્સમાં એક સાથે દાખલો લઈ શકે છે.
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ગત સપ્તાહે જ ઓફિસરોને આદેશ આપ્યો હતો કે, તેઓ નવનિર્મિત મેડિકલ કૉલેજોમાં પૂરતી સંખ્યામાં તબીબોની વ્યવસ્થા કરે. સાથે જ કોરોના મહામારીના સમયમાં પૂરતા પ્રમાણમાં તબીબોની હાજરીથી દર્દીઓને સમયસર અને શ્રેષ્ઠ સારવારની સુવિધા પ્રાપ્ત થશે.
નોંધનીય છે કે, દર વર્ષે સરકારી હોસ્પિટલોમાં તૈનાત અનેક MBBS ડૉક્ટર્સ PGમાં પ્રવેશ લેવા માટે NEETની પરીક્ષા આપે છે. PG બાદ સરકારી ડૉક્ટરોને સીનિયર રેસિડન્સીમાં રોકાવા પર રોક લગાવી દેવામાં આવી છે. નવા નિયમમાં કહેવામાં આવ્યું છે કે, વિભાગ તરફથી આ સંદર્ભે NOC ઈસ્યૂ નહીં કરવામાં આવે.