///

વડોદરામાં એક સાથે 9 બાળકોના અપહરણનો મેસેજ મળતા પોલીસ દોડતી થઇ, શહેરની બહાર નાકાબંધી કરતા…

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા ગાય સર્કલ પાસે રમકડાં અને ફૂગ્ગા વેચીને ગુજરાન ચલાવતા પરિવારોના 9 બાળકોનું રીક્ષામાં અપહરણ થયું હોવાનો ફોન પોલીસ કંટ્રોલ રૂમને મળતાની સાથે જ સમગ્ર પોલીસ તંત્ર દોડતું થયું હતું. આ સમગ્ર બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં નાકાબંધી કરી તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. બાળકોનું અપહરણ થતાં પરિવારજનોએ રોકકડ શરૂ કરી દીધી હતી. જોકે, પોલીસ બાળકોને શોધે તે પહેલાં બાળકો વાસણા રોડ ચાર રસ્તાથી ચાલતા ગાય સર્કલ પાસે તેમના પરિવારજનો પાસે આવી જતાં પોલીસે અને બાળકોના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ પર અને બ્રિજ નીચે પરિવારો રહે છે અને બારેમાસ રમકડાં, ફૂગ્ગા જેવી બાળકોને આકર્ષતી ચિજવસ્તુઓનું વેચાણ કરીને ગુજરાન ચલાવે છે. કેટલાક પરિવારો બગીચાઓ પાસે તો કેટલાક પરિવારના સભ્યો વિવિધ વિસ્તારોના માર્ગો ઉપર ઉભા રહી રમકડાં અને ફૂગ્ગા વેચી ગુજરાન ચલાવી રહ્યા છે. તેવામાં બપોરે એક રીક્ષા ચાલક 9 બાળકોને રીક્ષા બેસાડીને રવાના થઇ ગયો હતો.

આ અંગેની જાણ પરિવારોને થતાં તુરંત જ તેઓએ પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસ તંત્રએ દોડધામ કરી મુકી હતી. તે સાથે એસીપી રાજગોર સહિતના અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બીજી બાજુ અકોટા ગાય સર્કલ પાસે બાળકોની અપહરણ ઘટનાના પોલીસ કંટ્રોલમાં CCTV ફૂટેજ ઉપર સતત મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

આ તકે ઘટના સ્થળ પર દોડી આવેલા ACP અલ્પેશ રાજગોરે જણાવ્યું હતું કે CCTV ફૂટેજ જોતા બાળકોનું અપહરણ થયું હોય તેમ લાગી રહ્યું નથી. બાળકો જાતે ઓટો રીક્ષામાં બેસી રહ્યા છે. પરિવારજનોની પૂછપરછ કરતા એવી પણ માહિતી મળી છે કે, ઓટો રીક્ષાચાલકે બાળકોને ગાય સર્કલ ઉતારવાને બદલે ભૂલથી આગળ લઇ ગયો છે. જેથી શહેરની બહાર નીકળતા તમામ માર્ગો ઉપર નાકબંધી કરાવી દેવામાં આવી છે. ક્રાઇમ બ્રાંચની ટીમ પણ બાળકોને શોધવામાં કામે લાગી ગઇ હતી.

દરમિયાન બાળકો જાતે જ વાસણા રોડથી ચાલતા ગાય સર્કલ પરિવાર પાસે આવી ગયા હતા. બાળકો હેમખેમ આવતા પોલીસ અને પરિવારજનોએ રાહત અનુભવી હતી. જોકે, પોલીસ દ્વારા ઓટો રીક્ષામાં બાળકો લઇ જનાર રીક્ષાચાલકની વાસણા રોડ ખાતેના CCTV ફૂટેજના આધારે શોધખોળ હાથ ધરી હતી. પોલીસે વિસ્તારના અનેક રીક્ષા ચાલકોની પૂછપરછ કરતા જેના પર અપહરણનો આરોપ છે તે રીક્ષા ચાલક ગોત્રી વિસ્તારનો હોવાનું જણાઇ આવ્યું હતું.

પોલીસે ગોત્રી ખાતે રહેતા રીક્ષા ચાલક ભદ્રેશ બારોટની પૂછપરછ કરતા તેને સમગ્ર ઘટનાનું ખંડન કર્યું હતું. વધુમાં રીક્ષા ચાલકે જણાવ્યું હતું કે તે પત્ની તેમજ બે બાળકો સાથે પોતે ભાડાના મકાનમાં રહે છે. અચાનક ઘરે પોલીસ આવતા અને સમગ્ર ઘટનાની જાણ કરતા પરિવારના તમામ સભ્યો ચોંકી ઉઠયા હતા. રસ્તે ચાલીને જતા બાળકોને માત્ર મદદરૂપ થવાના હેતુથી રીક્ષામાં બેસાડયા હતા, જેથી પોલીસે રીક્ષા ચાલકનું નિવેદન લઈ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

મહત્વનું છે કે જે બાળકોના અપહરણનો મેસેજ કંટ્રોલ રૂમને મળ્યો હતો તે તમામ બાળકો 15 વર્ષની નીચેના હતા. જેમાં ત્રણ જેટલી છોકરીઓ હતી. જેથી પોલીસ ઘટનાની ગંભીરતા જોઈ ત્વરિત કામે લાગી હતી.

Leave a Reply

Your email address will not be published.