///

તસ્કરોએ રાત્રિ કરફ્યૂનો ઉઠાવ્યો લાભ, વડોદરામાં ચોરોએ 17 દુકાનોના તાળા તોડ્યા

રાજ્યમાં કોરોના મહામારીને કારણે મોટા શહેરોમાં રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યો છે, ત્યારે આ રાત્રિ કરફ્યૂનો લાભ ઉઠાવીને તસ્કરોએ મોડી રાત્રે વડોદરાના પાસેના બાજવા-કોયલી રોડ ઉપર આતંક મચાવ્યો હતો. જેમાં તસ્કરોએ એક કલાકમાં બાજવા-કોયલી રોડ ઉપર આવેલા સાગર રેસિકમ પ્લાઝામાં રેડીમેઇડ કપડાના બે શો રૂમ સહિત 17 દુકાનોના તાળાં તોડી રોકડ અને સામાન સહિત લાખોનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ તસ્કરો એક પાન કોર્નરમાંથી 1 લાખ રૂપિયાની સિગારેટ પણ ચોરી કરી ગયા હતા.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, વડોદરા નજીક આવેલા બાજવા-કોયલી રોડ ઉપર પાંચ મજલી સાગર રેસીકમ પ્લાઝા નામનું કોમ્પ્લેક્સ આવેલું છે. આ કોમ્પ્લેક્સમાં 7 દુકાનો ધરાવતો રજવાડા રેડિમેઇડ કપડાંનો ભવ્ય શો રૂમ, 5 દુકાનો ધરાવતો રેડીમેઇડ કપડાનો ફેશન પોઇન્ટ નામનો શો રૂમ, પ્રોજેક્ટ હાર્ડવેર, ગુરૂકૃપા પાન કોર્નર ઉપરાંત ઇલેકટ્રોનિક્સ સહિત વિવિધ ચીજવસ્તુઓના વ્યવસાયની દુકાનો આવેલી છે.

ત્યારે શહેરમાં રાત્રિ કરફ્યૂનો લાભ લઇ તસ્કરોએ મોડી રાત્રે 1 વાગે કોમ્પ્લેક્ષની દુકાનોને નિશાન બનાવી હતી. ત્યાર બાદ તબક્કાવાર એક કલાકના સમયમાં કોમ્પ્લેક્સ સ્થિત 17 જેટલી દુકાનોના તાળાં તોડ્યા હતા. ચોરોએ દુકાનોમાંથી રોકડ તેમજ સામાનની ચોરી કરી ગયા હતા. તો ગૃરૂકૃપા પાન કોર્નરમાંથી રૂપિયા 1 લાખ કિંમતની સિગારેટની ચોરી કરી હતી. સવારે દુકાનો ખોલવા માટે આવેલા માલિકોને કોમ્પ્લેક્સમાં ચોરી થઇ હોવાની જાણ થતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. સાગર કોમ્પ્લેક્સમાં ચોરી થઇ હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આ સાથે આ બનાવની જાણ જવાહરનગર પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી.

આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં અને કોમ્પ્લેક્સ સ્થિત CCTV ફૂટેજની તપાસમાં તસ્કરો મન્કી ટોપી, હેન્ડ ગ્લોઝ પહેરેલા જોવા મળ્યા હતા. તો આ તસ્કરો સરદારજી હોવાનું પણ અનુમાન સેવાઇ રહ્યું છે. બાજવામાં એક સાથે 17 જેટલી દુકાનોના તાળાં તૂટતા વેપારીઓ અને સ્થાનિક લોકોએ પોલીસ તંત્રના રાત્રિ પેટ્રોલિંગ પર પ્રશ્નો ઉઠાવ્યો હતો.

આ બનાવ અંગે જવાહરનગર પોલીસે વેપારીઓની ફરિયાદોના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા ડોગસ્ક્વોડ અને ફીંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઇ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published.