ચાલુ નાણાકીય વર્ષમાં આવકવેરા વિભાગે અત્યાર સુધી 39 લાખ કરદાતાઓને 1.26 લાખ કરોડ રૂપિયાનું રિફંડ ચૂકવ્યું છે. નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરના કાર્યાલયે ટવીટ કરીને આ અંગે જાણકારી આપી છે. કુલ કર રિફંડમાં વ્યક્તિગત આવકવેરા રિફંડ 34532 કરોડ રૂપિયા અને કોર્પોરેટ કર રિફંડ 92376 રૂપિયા જેવું થવા જાય છે.
જેમાં કહેવાયું છે કે, 39.14 લાખ કરદાતાઓને 1,26,909 કરોડ રૂપિયાનું કર રિફંડ ચૂકવવામાં આવ્યું છે. આ દરમિયાન 37,21,584 વ્યક્તિગત આવકવેરા દાતાઓને 34532 કરોડ રૂપિયાના રિફંડનું ચૂકવણું કરવામાં આવ્યું છે. જ્યારે 1,92,409 મામલામાં 93276 કરોડ રૂપિયાના કોર્પોરેટ ટેક્સનું રિફંડ ચૂકવાયું છે. આ આંકડો 27 ઓક્ટોબર-2020 સુધીનો છે. આવકવેરા વિભાગે અનેક શહેરોમાં હવાલા કારોબારીઓ અને નકલી બીલ બનાવનારા લોકો ઉપર દરોડો પાડીને 62 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. આવકવેરા વિભાગના સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર આ બેનામી ધન છે અને તેને સંજય જૈનનું હોવાનું ખુલવા પામ્યું છે.
આવકવેરા વિભાગે કહ્યું કે, આ દરમિયાન હવાલા રેકેટ દ્વારા કથિત રીતે અંદાજે 500 કરોડ રૂપિયાની ગેરકાયદેસર લેવડ-દેવડ થયાના સંકેત મળી રહ્યા છે. જે પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા છે ત્યાં લાકડાના કબાટમાં અને ફર્નીચરોમાં 2000 રૂપિયા અને 500 રૂપિયાની નોટ છુપાવીને રાખવામાં આવી હતી. આ પહેલાં સીબીડીયીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે 2.37 કરોડ રૂપિયાની રોકડ અને 2.89 કરોડ રૂપિયાના ઘરેણાની સાથે જ 17 બેંક લોકોની જાણકારી મળી છે જેની તપાસ ચાલી રહી છે.