દિવાળી બાદ હવે ખેડૂતો મગફળીના પાકને વેચી રહ્યાં છે. ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ભારે માત્રામાં આવક થઈ છે. દિવાળીની રજાઓ બાદ લાભપાંચમના દિવસે એક લાખ ગુણી મગફળીની આવક થઈ હતી. ત્યારબાદ યાર્ડના વહીવટી તંત્ર દ્વારા નવી મગફળીની આવક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. હવે તે મગફળી વેંચાઈ જતા આજે સોમવારે ફરી મગફળી મંગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.
બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે સોમવારથી ફરી નવી મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. આજે સોમવારે રેકોર્ડ 1.50 લાખ ગુણી મગફળીની આવક થઈ છે. આજે સોમવારે સવારે રાબેતા મુજબ યાર્ડની કામગીરી શરૂ થતાં ખેડૂતો મગફળી ભરીને ઉમટી પડ્યા હતાં. હરરાજીમાં 900 રૂપિયાથી લઈ 1050 રૂપિયા સુધી મગફળીનો ભાવ બોલાયો હતો.
આજે સોમવારે મગફળીની આવક શરૂ થતાં આશરે 1.50 લાખ ગુણી જેટલી મગફળી થોડીવારમાં માર્કેટિંગ યાર્ડમાં આવી પહોંચી હતી. હવે જ્યાં સુધી આ મગફળી નહીં વેચાઈ ત્યાં સુધી ખેડૂતો નવી મગફળી યાર્ડમાં લાવી શકશે નહીં. યાર્ડ દ્વારા આજથી ફરી નવી મગફળી લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.