////

પાવાગઢ ખાતે રોપ વેના ભાડામાં આટલા રૂપિયાનો વધારો ઝીંકાયો

રાજ્યમાં જૂનાગઢના ગિરનાર, પાવાગઢ અને અંબાજીના ગબ્બર ખાતે રોપ વેની સુવિધા છે. એમાં પણ ગિરનાર ખાતે રોપ વેની સુવિધા ગત વર્ષે જ શરૂ કરવામાં આવી છે. ત્યારે ગિરનાર રોપ વેના ભાડાને લઈને વિરોધ ઉઠતા રોપ વેનું સંચાલન કરતી કંપની તરફથી ભાડામાં નજીવો ઘટાડો કરાયો હતો. ત્યારે હવે પાવાગઢ ખાતે રોપ વેના ભાડામાં વધારો ઝીંકાયો છે. ઉષા બ્રેકો નામની કંપની પાવાગઢ ખાતે રોપ વેનું સંચાલન કરે છે. ઉલ્લેખનીય છે કે પાવાગઢ રોપવેની લંબાઈ 736 મીટર છે. જ્યારે ગિરનાર રોપ વેની લંબાઈ 2,320 મીટર છે.

યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ વેની સેવાના ભાડામાં ઉષા બ્રેકો કંપનીએ 29 રૂપિયાનો વધારો કર્યો છે. પહેલા અવરજવરની ટિકિટ પેટે 141 રૂપિયા લેવામાં આવતા હતા. જેમાં 29 રૂપિયાનો વધારો કરતા હવે ટિકિટનો ભાવ 170 રૂપિયા થયો છે.

જોકે વર્ષે 2019માં કંપનીએ 116 રૂપિયામાંથી ભાડું વધારીને 141 રૂપિયા કર્યું હતું. ત્યારે હવે ફરીથી કંપનીએ ભાડામાં વધારો કર્યો છે. ભાડામાં વધારો થતાં હવે રોપ વેમાં બેસીના માતાજીના દર્શન કરવા માંગતા ભક્તોએ વધારે ખર્ચ કરવો પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ગિરનાર રોપ-વે શરૂ થયો હતો. જોકે, રોપ-વેની ટિકિટના ભાવ સાંભળ્યા બાદ ખૂબ વિરોધ ઉઠ્યો હતો. જે બાદમાં કંપની તરફથી ભાડામાં થોડો ઘટાડો કરાયો હતો. હાલ પુખ્ત વયની વ્યક્તિ માટે ટિકિટનો ભાવ 700 રૂપિયા છે. 700 રૂપિયાની ટિકિટમાં વ્યક્તિ ઉપર જઈ અને પરત આવી શકે છે. તો બાળકો માટે આવવા અને જવાના ટિકિટનો ભાવ જીએસટી સહિત 350 રૂપિયા છે. જેમાં પાંચ વર્ષ સુધીના બાળકોની કોઈ ટિકિટ લેવામાં આવતી નથી.

Leave a Reply

Your email address will not be published.