////

જાણીને આશ્ચર્યમાં મુકાઇ જશો, ભારતે અત્યાર સુધીમાં અધધ…કોરોનાના ટેસ્ટિંગ કર્યા

ભારતએ જાન્યુઆરી 2020થી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ ટેસ્ટિંગની સંખ્યામાં પ્રચંડ વધારો નોંધાવ્યો છે. આજે દેશમાં કુલ ટેસ્ટિંગની સંખ્યા 10 કરોડને પાર પહોંચી છે.

અન્ય એક સિદ્ધિરૂપે, છેલ્લા 24 કલાકમાં જ દેશમાં કુલ 14,42,722 ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.

હાલમાં દેશમાં ટેસ્ટિંગની લેબોરેટરીની સંખ્યા 2000ને નજીક પહોંચી છે તેમજ કેન્દ્ર અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોના સહિયારા પ્રયાસોથી દેશની પરીક્ષણોની ક્ષમતામાં અનેકગણો વધારો થયો છે.

દેશભરમાં પ્રગતિપૂર્વક ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિસ્તરણે ટેસ્ટિંગની સંખ્યામાં ઝડપી વધારો કરવા માટે મહત્વની ભૂમિકા નિભાવી છે. હાલમાં દેશમાં ટેસ્ટિંગ માટે કુલ 1989 લેબોરેટરી ઉપલબ્ધ છે. જેમાંથી 1122 સરકારી અને 867 ખાનગી લેબોરેટરીઓ છે. જેના કારણે દૈનિક ટેસ્ટિંગની ક્ષમતાને નોધપાત્ર વેગ પ્રાપ્ત થયો છે.

સઘન પરીક્ષણના અવિરત ઉચ્ચ સ્તરના પરિણામે પણ દેશમાં પોઝિટીવિટી દર નીચો લાવી શકાયો છે. જે સૂચવે છે કે, સંક્રમણના ફેલાવાનો દર અસરકારક રીતે નિયંત્રણમાં આવી રહ્યો છે. કુલ ટેસ્ટિંગની સંખ્યા 10 કરોડ સુધી પહોંચી જતા એકંદરે આ દરમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે રાષ્ટ્રીય સ્તરે સરેરાશ પોઝિટીવિટી દર 7.75% નોંધાયો છે.

કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી સફળ ટેસ્ટ, ટ્રેક, ટ્રેસ, ટ્રીટ અને ટેકનોલોજી વ્યૂહરચનાનું રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા અસરકારક રીતે પાલન કરવામાં આવી રહ્યું છે તેના કારણે આ પરિણામો પ્રાપ્ત થયાં છે.

વ્યાપક વિસ્તારમાં મોટી સંખ્યામાં પરીક્ષણોના પરિણામે પોઝિટીવ કેસોની વહેલી ઓળખ, અસરકારક સર્વેલન્સ અને ટ્રેસિંગ દ્વારા તાત્કાલિક ટ્રેકિંગ અને સામાન્ય અથવા હળવા લક્ષણો ધરાવતા પોઝિટીવ દર્દીઓને ઘર/ સુવિધાઓમાં તેમજ ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને હોસ્પિટલમાં સમયસર તેમજ અસરકારક સારવાર આપવાનું શક્ય બન્યું છે. આ પગલાંઓના કારણે મૃત્યદરમાં પણ તબક્કાવાર ઘટાડો થયો છે.

દેશમાં છેલ્લા 1 કરોડ ટેસ્ટિંગ માત્ર 9 દિવસમાં કરવામાં આવ્યા છે. 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય આંકડાની સરખામણીએ વધુ પોઝિટીવિટી દર જોવા મળ્યો છે, જેથી સૂચિત થાય છે આવા પ્રદેશોમાં સઘન ટેસ્ટિંગનું ઉચ્ચ સ્તર જાળવવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published.