///

NCPના ધારાસભ્યની મુશ્કેલીમાં વધારો, હાઈકોર્ટમાં પડતર કેસની સુનાવણી શરૂ

કુતિયાણાના NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા વિરૂદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં પડતર કેસની સુનાવણીની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે કાંધલ જાડેજા વિરૂદ્ધ હાલમાં 15 કેસ પેન્ડિંગ છે.

નોંધનીય છે કે, તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયું હતું કે, નેતાઓ સામેના કેસની સુનાવણી હવે ઝડપી થશે. કાંધલ જાડેજા વિરૂદ્ધ ગેરકાયદેસર હથિયાર, ખંડણી, હુમલો, રમખાણ, કસ્ટડીમાંથી ફરાર થવું અને નકલી દસ્તાવેજો સહિતના ગુનાઓ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટની સૂચના બાદ ગુજરાત હાઈકોર્ટે નીચલી કોર્ટોને નિર્દેશ આપ્યો છે કે, ગુજરાતના વર્તમાન અને પૂર્વ સાંસદો તેમજ ધારાસભ્યો વિરૂદ્ધ ચાલી રહેલા કેસની નિયમિત સુનાવણી યોજી સત્વરે તેનો નિકાલ કરવામાં આવે. આ તકે ગુજરાત હાઈકોર્ટમાં કાંધલ જાડેજા સામેના પડતર કેસોની સુનાવણી પણ શરૂ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2005માં પોરબંદરમાં એક હત્યા કેસમાં કાંધલ જાડેજાને નિર્દોષ છોડી મૂકાયા હતાં. જેની સામે સરકારે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી. આ અપીલની સુનાવણી સોમવારથી ગુજરાત હાઇકોર્ટમાં હાથ ધરાશે. નોંધનીય છે કે, વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કાંધલ જાડેજાએ કરેલી એફિડેવિટમાં પોરબંદર, રાજકોટ અને અમદાવાદમાં કુલ 15 કેસો નોંધાયેલા છે. ત્યારે કાંધલ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થશે તેવી શક્યતાઓ છે.

Leave a Reply

Your email address will not be published.