////

Ind vs Aus: ઈજાગ્રસ્ત જાડેજા T20 સિરીઝમાંથી બહાર, આ ખેલાડીને મળી તક

હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટી-20 સિરીઝ વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં ફોર્મમાં ચાલી રહેલા ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ટી20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. કેનબરામાં પ્રથમ ટી20 મુકાબલા દરમિયાન જાડેજાને માથામાં ઈજા પહોંચી હતી. ત્યારે હવે તેના સ્થાને ટીમમાં ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને સામેલ કરવામાં આવ્યો છે. જાડેજાએ પ્રથમ ટી20 બુકાબલામાં બેટથી દમદાર પ્રદર્શન કર્યુ હતું. આ દરમિયાન તેણે 44 રન બનાવ્યા હતા. જેની મદદથી ટીમ ઈન્ડિયા પ્રથમ મેચમાં વિજય હાંસલ કરવામાં સફળ નિવડી હતી.

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર જાડેજાએ શુક્રવારે કેનબરાના મનુકા ઓવલમાં રમાયેલી પ્રથમ ટી20 મુકાબલામાં આક્રમક ઈનિંગ રમી હતી. જાડેજાએ અંતિમ ઓવરોમાં વિસ્ફોટક બેટિંગ કરતા 23 બોલમાં અણનમ 44 રન બનાવ્યા હતા. જેમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સ પણ સામેલ છે. સાતમાં નંબર પર બેટિંગ કરવા ઉતરેલા જાડેજાએ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર હેઝલવુડની 19મી ઓવરમાં એક સિક્સ અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. જાડેજાએ આ સાથે નંબર 7 પર બેટિંગ કરતા ટી20 આંતરરાષ્ટ્રીયમાં સર્વશ્રેષ્ઠ સ્કોર કરનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે.

જોકે પ્રથમ ટી20મા બેટિંગ દરમિયાન જાડેજાના હેલ્મેટ પર બોલ વાગ્યો હતો. જેથી તેને ઈજા પહોંચી હોવા છતાં પણ તેણે પોતાની બેટિંગ આગળ વધારી અને ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. જોકે બાદમાં તે ફીલ્ડિંગ અને બોલિંગ માટે મેદાન પર આવ્યો નથી. તેના કનકશન વિકલ્પ તરીકે ચહલને મેદાનમાં ઉતારવામાં આવ્યો. ચહલે 4 ઓવરમાં ત્રણ વિકેટ ઝડપીને ભારતીય ટીમને શાનદાર જીત અપાવી હતી.

રવિન્દ્ર જાડેજા આ ઈજાને કારણે ટી20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. BCCIએ ટ્વીટમાં જણાવ્યું છે કે, જાડેજા પર મેડિકલ ટીમ નજર રાખી રહી છે. જાડેજાના સ્થાને હવે શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. સિરીઝની બીજી ટી20 મેચ સિડનીમાં 6 ડિસેમ્બરે રમાશે.

Leave a Reply

Your email address will not be published.