////

બેન્કનોટમાં ખોટા નકશાને પગલે સાઉદી અરબ સામે ભારત લાલઘુમ

સાઉદી અરબ દ્વારા ગત અઠવાડિયે બહાર પાડવામાં આવેલી એક બેન્કનોટમાં દેશની સરહદોના ખોટા ચિત્રણ બદલ ભારતે આપત્તિ જતાવી છે. જેમાં ભારતે કહ્યું કે, તેને ઠીક કરવા માટે તરત પગલું ભરો. આ નવી 20 રિયાલની નોટ પર પ્રિન્ટ કરાયેલા વૈશ્વિક નકશામાં જમ્મુ અને કાશ્મીર તથા લેહને ભારતના હિસ્સા તરીકે ગણાવાયા નથી. G-20 સમૂહની સાઉદી અરબ દ્વારા અધ્યક્ષતા થવાના અવસરે આ નોટ બહાર પાડવામાં આવી હતી.

ઉપરાંત વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, ભારતે સાઉદી અરબને કહ્યું છે કે, આ મામલે તરત યોગ્ય પગલા ભરો અને જમ્મુ-કાશ્મીર અને લદાખનો સમગ્ર હિસ્સો ભારતનું અભિન્ન અંગ છે. ‘તમે જે બેન્કનોટનો ઉલ્લેખ કરી રહ્યા છો તે અમે પણ જોઈ છે. જેમાં ભારતની સરહદોનું ખોટું ચિત્રણ કરવામાં આવ્યું છે. નોટને સાઉદી અરબની મોનિટરી ઓથોરિટી દ્વારા 24 ઓક્ટોબરના રોજ સાઉદી દ્વારા G-20ની અધ્યક્ષતા કરવાના અવસરે બહાર પાડવામાં આવી હતી.’

વધુમાં તેમણે કહ્યું કે, ‘અમે સાઉદી અરબને નવી દિલ્હીમાં તેમના રાજદૂતના માધ્યમથી તથા રિયાધમાં પણ અમારી ગંભીર ચિંતા વિશે માહિતગાર કર્યા છે અને સાઉદી અરબને કહ્યું છે કે, આ અંગે તરત યોગ્ય પગલાં ભરો.’ હું ફરી એકવાર કહેવા માંગુ છું કે, સંઘ શાસિત જમ્મુ અને કાશ્મીર તથા લદાખનો સંપૂર્ણ ભાગ ભારતનું અવિભાજ્ય અંગ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ નકશામાં ગિલગિટ બાલ્ટિસ્તાન સહિત પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરને પણ પાકિસ્તાનનો હિસ્સો બતાવવામાં આવ્યો નથી. પાકિસ્તાન, સાઉદી અરબને પોતાનું મહત્વપૂર્ણ સહયોગી માને છે અને પાકિસ્તાનના નકશાથી પીઓકે હટાવવાની સાઉદીની હરકતને ઈસ્લામાબાદમાં અનેક લોકો પોતાના દેશને મોટા ઝટકા સમાન ગણી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.