///

ખેડૂતોના વિરોધ પ્રદર્શન પર કેનેડાના વડાપ્રધાને આપેલા નિવેદન અંગે ભારત નારાજ, ભર્યુ આ કડક પગલું

કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના પ્રદર્શન પર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને કેટલાક કેબિનેટ પ્રધાનોની ટિપ્પણી બાદ ભારતીય વિદેશ મંત્રાલયે આજે કેનેડાના હાઈ કમિશનરને તલબ કર્યા છે. આ અગાઉ ભારતના વિદેશ મંત્રાલયે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે કોઈ લોકશાહી દેશના આંતરિક મામલામાં આ પ્રકારે ટિપ્પણી અને નિવેદન ખુબ જ બિનજરૂરી અને અનુચિત છે.

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે જો આવી ટિપ્પણીઓ ચાલુ રહેશે તો ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો પર ગંભીર રીતે હાનિકારક અસર થશે. ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) નિવેદન બહાર પાડીને કહ્યું કે આ ટિપ્પણીઓએ કેનેડામાં અમારા હાઈ કમિશન અને વાણિજ્ય દૂતાવાસો સામે ચરમપંથી ગતિવિધિઓની સભાઓને પ્રોત્સાહન આપ્યું છે જે સુરક્ષા મુદ્દે સવાલ ઉભા કરે છે. અમે કેનેડાની સરકાર પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે તેઓ ભારતીય રાજનાયિક કર્મીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે.

ખેડૂતોના પ્રદર્શનને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે અમે પરિવાર અને મિત્રોને લઈને પરેશાન છીએ. અમને ખબર છે કે આ અનેક લોકો માટે સચ્ચાઈ છે. કેનેડા હંમેશા શાંતિપૂર્ણ પ્રદર્શનોમાં માનનારો દેશ છે. અમે વાતચીતમાં વિશ્વાસ ધરાવીએ છીએ. અમે ભારત સામે અમારી ચિંતાઓ રજુ કરી છે. આ બધા માટે એક સાથે આવવાનો સમય છે.’

આ અગાઉ ટ્રુડો કેબિનેટમાં મહત્વની જવાબદારી સંભાળનારા રક્ષાપ્રધાન હરજીત સિંહે ટ્વિટર પર લખ્યું હતું કે ભારતમાં શાંતિપૂર્ણ પ્રદર્શનો પર ક્રુરતા પરેશાન કરે છે. મારા વિસ્તારના અનેક લોકોનો પરિવાર ત્યાં છે અને તેમને પોતાના લોકોની ચિંતા છે. હું આ મૂળભૂત અધિકારની રક્ષા માટે અપીલ કરું છું.

Leave a Reply

Your email address will not be published.