/////

બ્રિટનમાં કોરોનાના નવા એક પ્રકારથી ભારતે ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લાદ્યો

બ્રિટનમાં કોરોનાનો નવો એક પ્રકાર જોવા મળ્યો છે જેનાથી વિશ્વમાં અફરાતફરી મચી છે. આ કારણે ઘણા યૂરોપીય દેશોએ બ્રિટનથી અવર-જવર પર પ્રતિબંધ લાદ્યો છે. જેમાં હવે ભારતે પણ પ્રતિબંધ લાદ્યો છે.

આ વચ્ચે ભારત સરકારે પણ બ્રિટનથી આવનારી ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. ફ્લાઇટ્સ પર પ્રતિબંધ ગઇકાલે મંગળવારે રાત્રે 12 કલાકથી શરૂ થશે. આ પહેલા આવનારી તમામ ફ્લાઇટ્સના દરેક પેસેન્જર માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત કરી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે બ્રિટનમાં કોરોના વાયરસનો નવો એક પ્રકાર મળી આવતા માત્ર ત્યાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં અફરાતફરી મચી ગઇ છે. યુરોપિયન યુનિયનના અનેક દેશોએ રવિવારે બ્રિટનથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લાદ્યો છે. પોતાના દેશમાં આ નવા ખતરાથી કોઈ ખતરો ઉભો ન થાય તે હેતુસર આ પગલું લેવાયું છે. હજુ અનેક દેશો આવા પ્રતિબંધો પર વિચાર કરી રહ્યા છે.

આ તકે ફ્રાન્સે રવિવારના રોજ મધ્યરાત્રીથી જ આગામી 48 કલાક માટે બ્રિટનથી તમામ પ્રકારની મુસાફરી પર રોક લગાવી છે. જેની વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે બ્રિટન જનારા લોકો પ્રભાવિત નહીં થાય એટલે કે લોકો ફ્રાન્સથી બ્રિટન જઈ શકશે પરંતુ આગામી 48 કલાક સુધી બ્રિટનથી ફ્રાન્સ કોઈ મુસાફરી કરી શકશે નહીં.

મહત્વનો નિર્ણય લેતા ફ્રાન્સ બાદ જર્મનીએ પણ બ્રિટનથી આવતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી દીધી છે. જર્મનીની સરકારે કહ્યું છે કે તેઓ બ્રિટનથી આવનારી ફ્લાઇટ્સ પર રોક લગાવી રહ્યાં છે. ફ્રાન્સ અને જર્મની બાદ નેધરલેન્ડે પણ આ વર્ષના અંત સુધી બ્રિટનથી આવનારી ફ્લાઈટ્સ પર રોક લગાવી છે. બેલ્જિયમે પણ રવિવાર મધ્યરાત્રીથી બ્રિટનની રેલસેવાઓની અવરજવર બંધ કરી છે. બેલ્જિયમના વડાપ્રધાન અલેક્ઝેન્ડર ડી ક્રુ એ રવિવારે કહ્યું કે તેઓ ‘ખાસ સાવધાની’ તરીકે અડધી રાત્રીથી આગામી 24 કલાક માટે બ્રિટનથી આવતી ફ્લાઇટ પર રોક લગાવી રહ્યાં છે.

ઓસ્ટ્રિયા અને ઈટાલીએ પણ કહ્યું કે બ્રિટનથી આવતી ફ્લાઈટ્સ પર રોક લગાવવામાં આવશે. જો કે તેઓએ હજુ પણ તેના વિશે સત્તાવાર કોઇ વધુ જાણકારી આપી નથી. ઈટાલીના વિદેશ પ્રધાન લુઈગી ડી માયોએ ટ્વિટર પર કહ્યું કે સરકાર કોરોના વાયરસના નવા પ્રકારથી ઈટાલીના નાગરિકોને બચાવવા માટે જરૂરી પગલાં ભરી રહી છે. રવિવારે બ્રિટનથી લગભગ બે ડઝન જેટલી ફ્લાઈટ્સ ઈટાલી માટે રવાના થશે. જ્યારે ઝેક રિપબ્લિકે બ્રિટનથી આવતા લોકો માટે અલગથી રોકાવવાના નિયમો લાગુ કર્યા છે.

બ્રિટનમાં કોરોના વાયરસનો નવો ખતરો સામે આવતા વિશ્વમાં અંધાધુંધી ફેલાઇ છે. કોરોનાના નવા પ્રકારને લીધે બ્રિટનમાં સંક્રમણ વધ્યું છે. બ્રિટન સરકારે સ્થિતિ નિયંત્રણ બહાર હોવાની ચેતવણી આપી દીધી છે. બ્રિટને 30 ડિસેમ્બર સુધી ટાયર-4 લોકડાઉન લાગૂ કર્યું છે. ટાયર-4 લોકડાઉનમાં તમામ બંધ રાખવામાં આવે છે. જ્યારે લંડન-ઈસ્ટ ઈંગ્લેન્ડમાં 30 ડિસેમ્બર સુધી લોકડાઉન છે. કોરોનાના નવા ખતરાથી બ્રિટનમાં રેલ સેવાને પણ અસર પહોંચી છે.

આ નવા જોખમના પગલે બ્રિટનમાં તમામ લોકોને તેમના સ્થાનિક વિસ્તારમાં જ રહેવાની સૂચના અપાઈ છે. મહામારીને પગલે લંડનમાં ટાયર-4 સ્તરનું લોકડાઉન લાગૂ કરાયેલું છે. ટાયર-1 પ્રતિબંધનું સૌથી નીચુ સ્તર ગણાય છે જ્યારે ટાયર-4 સૌથી મોટું અને શખ્ત લોકડાઉન છે. બ્રિટનમાં લોકડાઉનના સમયમાં વધારો પણ થઈ શકે છે. જ્યાં સુધી મોટા ભાગના લોકોને કોરોનાની રસી ન અપાય ત્યાં સુધી લોકડાઉન લંબાવવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published.