///

IND vs ENG : ભારતનો શાનદાર વિજય, T-20માં ઈંગ્લેન્ડને 3-2થી હરાવી સિરીઝ કરી નામે

ભારતે પાંચ T-20 મેચની પાંચમી અને અંતિમ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લેન્ડને 36 રને પરાજય આપી સિરીઝ 3-2થી જીતી લીધી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી પાંચમી T-20 મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા નંબર-1 ટીમને હરાવીને પાંચ મેચની સિરીઝ 3-2થી જીતી લીધી છે.

ભારતે ટોસ હારતા પ્રથમ બેટિંગ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા રોહિત શર્મા અને વિરાટ કોહલીની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 2 વિકેટે 224 રનનો પહાડી સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 188 રન બનાવી શક્યું હતું.

પહાડ જેવા સ્કોરનો પીછો કરતા ઈંગ્લેન્ડની ટીમે ખૂબ જ નબળી શરૂઆત કરી હતી. ઈંગ્લેન્ડની ટીમને પહેલો ઝટકો ઇનિંગ્સની પહેલી ઓવરના બીજા બોલ પર જ મળ્યો હતો. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે ઓપનર જેસન રોયને ક્લીન બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ જોસ બટલરે ડેવિડ મલાનની સાથે બીજી વિકેટ માટે 75 બોલમાં 130 રનની ભાગીદારી નોંધાવી હતી, પરંતુ આ ભાગીદારી પણ ટીમને જીતાડી શકી નહતી. અહીં પણ ભુવનેશ્વરે કુમારે ઇંગ્લેન્ડને બીજો ઝટકો આપ્યો હતો. તેણે બટલરને 52 રનના સ્કોર સાથે પેવેલિયન ભેગો કર્યો હતો.

આટલેથી અટક્યુ નહતુ 15મી ઓવરમાં શાર્દુલ ઠાકુરે 2 વિકેટ ઝડપીને મેચની ફરી એકવાર દિશા જ બદલી નાખી હતી. ઠાકુરના બોલ પર શોટ મારવા જતા જોની બેયરસ્ટો 7 રનના સ્કોર પર સૂર્યકુમારના હાથે કેચ આઉટ થયો હતો. ત્યારબાદ શાર્દુલે તે જ ઓવરમાં મલાનને પણ ક્લિન બોલ્ડ કર્યો હતો. 16મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ ઇંગ્લેન્ડના કેપ્ટન મોર્ગનને 1 રને પેવેલિયન ભેગો કરીને ભારતને જીત તરફ અગ્રેસર કર્યુ હતું. ત્યારબાદ ઇંગ્લેન્ડનો કોઇ પણ બેટ્સમેન લય જાળવી શક્યો નહતો કે જેમાં મોટો સ્કોર નોંધાવી ટીમની જીત મેળવવામાં ભાગીદારી નોંધાવી શકે. ભારતીય ટીમના બોલિંગ આક્રમણની વાત કરીએ તો શાર્દુલ ઠાકુરે 3 , ભુવનેશ્વર કુમારે 2 જ્યારે હાર્દિક પંડ્યા અને નટરાજને અનુક્રમે 1-1 વિકેટ હાંસિલ કરી હતી.

આ પહેલા ભારતે બેટિંગ કરતા શરૂઆત સારી રહી હતી. વિરાટ કોહલી અને રોહિત શર્માએ 94 રનની શરૂઆતની ભાગીદારી કરી હતી. આ સીરીઝની બન્ને ટીમોની તુલનાની સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી હતી. જેમાં રોહિત શર્મા 34 બોલમાં 64 રન બનાવીને આઉટ થયો હતો. રોહિતે પોતાના ટી-20 કરિયરની 22મી અર્ધશતક બનાવીને બેન સ્ટોક્સનો શિકાર થયો હતો. ત્યારબાદ કોહલીએ બીજી વિકેટ માટે સૂર્યકુમાર યાદવ સાથે 26 બોલમાં 49 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ 143 રનમાં ટીમ ઈન્ડિયાની બીજી વિકેટ પડી હતી. સૂર્યકુમારે 17 બોલમાં 32 રન બનાવીને જોર્ડન અને રોયના શાનદાર કેચના પગલે આઉટ થયો હતો.

કોહલીએ એક તરફથી ભારતની કમાન સંભાળી રાખી હતી. તેણે પણ T-20 કારકીર્દીમાં પોતાની 28મી અર્ધસદી બનાવી હતી. અંતે તેણે હાર્દિક પંડ્યા સાથે ત્રીજી વિકેટ માટે 81 રનની અણનમ ભાગીદારી નોંધાવીને ઇન્ડિયન ટીમના સ્કોરને 224 રનને પાર પહોંચાડ્યો હતો. ઇંગ્લેન્ડના બોલિંગ આક્રમણની જો વાત કરીએ તો સ્પિનર ​​આદિલ રાશિદ અને ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે 1-1 વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડે 53 અને ક્રિસ જોર્ડને 57 રન આપ્યા હતા, પરંતુ તેમને કોઈપણ વિકેટ પ્રાપ્ત થઈ નહોતી.

Leave a Reply

Your email address will not be published.