કોરોનાની વૅક્સીન બનાવી રહેલી ભારત બાયોટેકએ ગઇકાલે સોમવારે જાહેરાત કરી હતી કે, તેણે કોવિડ-19 માટે ભારતની સૌ પ્રથમ સ્વદેશી વૅક્સીન “કોવૈક્સીન”ના ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરી દીધુ છે. ફેઝ-3ના ટ્રાયલમાં સમગ્ર દેશમાંથી 26 હજાર વૉલેન્ટિયર્સને સામેલ કરવામાં આવ્યાં છે. તે માટે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) સાથે ભાગીદારી કરી છે.
હૈદરાબાદ સ્થિત કંપનીનું કહેવું છે કે, કોરોના વૅક્સીનના ટ્રાયલમાં સામેલ સ્વયંસેવકોને લગભગ 28 દિવસની અંદર બે ઈન્ટ્રામસ્ક્યૂલર ઈન્જેક્શન આપવામાં આવશે. ભારત બાયોટેક વિશ્વની એકમાત્ર વૅક્સીન કંપની છે, જેની પાસે જૈવ સુરક્ષા સ્તર-3 (BSL-3) ઉત્પાદન સુવિધા છે.
ગત મહિને કંપનીએ વૅક્સીનના પ્રથમ અને બીજા તબક્કાના ટ્રાયલનું અંતરિમ વિશ્લેષણ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધુ છે અને તે 26,000 વોલેન્ટિયર્સ પર ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરવા જઈ રહી છે. જેને લઈને એક વેબસાઈટની લિંક શેર કરવામાં આવી છે.
હવેનો ટ્રાયલ ડબલ બ્લાઈન્ડેડ કરી દેવામાં આવ્યો છે. એટલે કે તપાસ કરનાર, વૉલેન્ટિયર્સ અને કંપનીને ખ્યાલ નહીં હોય કે ક્યા ગ્રુપને કેવા પ્રકારથી વૅક્સીનેશન થયું છે.
ભારતમાં 22 સંસ્થાઓમાં ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. જેમાં નવી દિલ્હી સ્થિત એઈમ્સ અને ગુરુ તેગબહાદૂર હોસ્પિટલ સામેલ છે. આ સિવાય અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, ગ્રાન્ટ ગવર્મેન્ટ મેડિકલ કૉલેજ, સસ જેજે ગ્રુપ ઑફ હોસ્પિટલ્સ, લોકમાન્ય તિલક મ્યુન્સિપલ જનરલ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજ પણ તેમાં સામેલ છે.
કહેવાય છે કે, કંપનીએ બે ઓક્ટોબરે જ DCGI પાસે વૅક્સીનના ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરી માંગી હતી. જ્યારે કંપની કોરોના સંક્રમણના નાબુદ કરવા માટે વધુ એક વૅક્સીન પર કામ કરી રહી છે. જે નાક થકી આપવામાં આવતા ડ્રોપ્સ સ્વરૂપે હશે. આ વૅક્સીન પણ આગામી વર્ષ સુધીમાં તૈયાર થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકન કંપની મોર્ડનાએ દાવો કર્યો હતો કે, તેમની કોરોના વૅક્સીન 94.5 ટકા અસરકારક સાબિત થઈ છે. એક અઠવાડિયાની અંતર વૅક્સીનના શાનદાર પ્રદર્શનનો દાવો કરનારી મૉડર્ના બીજી અમેરિકન કંપની છે.