હાલમાં દેશમાં ‘ડિજિટલ ઈન્ડિયા’ અભિયાને સારો એવો વેગ પકડ્યો છે, પરંતુ મોબાઈલ ડેટાની સ્પીડ મામલે ભારત હજુ પણ ઘણું પાછળ રહી ગયું છે. તાજેતરમાં Ookla તરફથી તૈયાર કરવામાં આવેલ સ્પીડટેસ્ટ ગ્લોબલ ઈન્ડેક્સમાં ભારત મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડમાં 131માં ક્રમે છે.
ભારત મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ મામલે દક્ષિણ કોરિયા, શ્રીલંકા, નેપાળ અને પાકિસ્તાન જેવા દેશોથી પણ પાછળ છે. ભારતમાં સરેરાશ મોબાઈલ ડાઉનલોડ સ્પીડ 12.07 Mbps છે. જ્યારે વૈશ્વિક સરેરાશ 35.26 Mbps છે. ફિક્સ્ડ બ્રૉડબેન્ડ સ્પીડ મામલે ભારતને ઈન્ડેક્સમાં 70માં સ્થાન પર રાખવામાં આવ્યું છે. તો ગત રેન્કિંગની સરખામણીમાં ભારત બે ક્રમ ઉપર જરૂર આવ્યું છે.
તો બીજી બાજુ સિંગાપુરે 175 દેશોની રેન્કિંગમાં 226.60 Mbpsની સ્પીડ સાથે ઈન્ડેક્સમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. Ooklaના ગ્લોબલ ઈન્ડેક્સ મુજબ સરેરાશ મોબાઈલ ડેટા સ્પીડ મામલે દક્ષિણ કોરિયા પ્રથમ નંબર પર છે. જ્યારે નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા અને ચીન જેવા દેશ ભારતની તુલનામાં મોબાઈલ ડેટા સ્પીડમાં બહુ આગળ છે.
ભારતમાં 4Gથી 5G તરફ આગળ વઘી રહેલા ડિજિટલ ઈન્ડિયાનું મિશન જોરશોરથી ચાલી રહ્યું છે. સરકાર ડિજિટલાઈઝેશન પર વધારે ભાર મૂકી રહી છે. ઑનલાઈન એજ્યુકેશનથી લઈને ડિજિટલ પેમેન્ટ સુધી હાલના દિવસોમાં ચર્ચામાં છે. એવામાં મોબાઈલ કે પછી બ્રોડબેન્ડ ડેટા સ્પીડની બાબતમાં ભારતની પીછેહઠ એ એક ચિંતાજનક બાબત ગણી શકાય.