////

ભારત બાયોટેક આવતા વર્ષે કોરોના વેક્સિન લાવે તેવી શક્યતાઓ..

દુનિયાભરમાં કોરોના વાયરસની સામે લડવા માટે અનેક કંપનીઓ વેક્સીન બનાવવામાં લાગી ગઈ છે. તો અનેક કંપનીઓ ત્રીજા ટ્રાયલમાં પહોંચી ચૂકી છે. આવા સમયે ભારત બાયોટેક પણ કોરોના વેક્સીન આવતા વર્ષે લાવે તેવી શક્યતાઓ છે. જેને લઈને કંપનીએ કહ્યું છે કે, અમે તેની કિંમતને લઈને કોઈ અંદાજ નક્કી કર્યો નથી. અત્યારે અમે એક સફળ વેક્સીન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.

ભારત બાયોટેક ઈન્ટરનેશનલના કાર્યકારી નિર્દેશક સાઈ પ્રસાદે કહ્યું છે કે, અત્યારે કંપની દેશના અનેક સ્થાનો પર ત્રીજા તબક્કાનું ટ્રાયલ કરી રહી છે. જો અમે પરીક્ષણમાં સફળ રહીશું તો કંપની વર્ષ 2021ના બીજા ત્રિમાસિકમાં તેને માર્કેટમાં લાવી શકે તેવી શક્યતા છે. કંપનીએ ત્રીજા તબક્કાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ કંપનીએ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીના સહયોગથી વેક્સીન કોવૈક્સીનને તૈયાર કરી છે. તેઓએ કહ્યું કંપનીએ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસેથી ત્રીજા ચરણના પરીક્ષણ માટે સ્થળ પસંદગીની તૈયારી શરૂ કરી દીધી છે.

વધુમાં તેમણે કહ્યું છે કે, 13-14 રાજ્યોમાં 25-30 સ્થળો પર આ વેક્સીનનું પરીક્ષણ કરવામાં આવશે. જેમાં એક હોસ્પિટલના લગભગ 2000 લોકોને પણ સામેલ કરવામાં આવશે. વેક્સીનના વિકાસ અને નવી સુવિધાઓ માટે લગભગ 350-400 કરોડ રૂપિયાનું રોકાણ કરાયું છે. આ સાથે જ વેક્સીનની કિંમત અત્યારે નક્કી કરાઈ નથી. કેમકે કંપની હજુ પણ ઉત્પાદનના વિકાસના ખર્ચને અંદાજી રહી છે. અમારું ધ્યાન અત્યારે સાઈટ પર સફળતાપૂર્વક ત્રીજા તબક્કાનું પરીક્ષણ કરવાનું છે.

Leave a Reply

Your email address will not be published.