કોરોના મહામારીના સંક્રમણનો સામનો કરી રહેલા દેશ સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાથી બચવા માટે વેક્સિનની ડીલ કરી રહ્યાં છે. ત્યારે અનેક દેશોમાં તો વેક્સિનનો જથ્થો પહોંચી પણ ચૂક્યો છે અને આ મહિનાના અંત સુધીમાં લોકોને વેક્સિન મળવાની શરૂ થઈ જશે. આ ક્રમમાં ભારતે પણ 160 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે. આ સાથે જ કોરોના વેક્સિનના સૌથી વધુ ઓર્ડર આપવા મામલે ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.
કોરોના વેક્સિનને લઈને PM મોદીએ શુક્રવારે કહ્યું કે, હાલ 8 વેક્સિન પર ટ્રાયલ ચાલી રહ્યું છે. જેમાં ભારતની 3 વેક્સિન વિવિધ સ્ટેજમાં છે. નિષ્ણાંતોનું માનવું છે કે, વેક્સિન ટૂંક સમયમાં આવી જશે. પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યૂટમાં વેક્સિનનું ટેસ્ટિંગ કરનાર ઓક્સફોર્ડ યુનિવર્સિટીની એસ્ટ્રાજેનેકા સાથે ભારતે ડીલ કરી છે અને સૌથી વધુ વેક્સિનના ડોઝ અહીંથી જ મળવા જઈ રહી છે.
આ ડીલ અંતર્ગત એસ્ટ્રાજેનેકા વેક્સિનના 50 કરોડ ડોઝ ભારતને મળવાના છે. અમેરિકા તરફથી પણ એસ્ટ્રેજેનેકા સાથે આટલા જ ડોઝનું બુકિંગ કરવામાં આવ્યું છે. ભારત અને અમેરિકા સિવાય અન્ય યુરોપિયન દેશો તરફથી પણ ઓક્સફોર્ડની એસ્ટ્રાજેનેકાની વેક્સિન માટે અંદાજે 40 કરોડ ઓર્ડર આપવામાં આવ્યાં છે.
તો બીજી બીજુ નોવાવૅક્સ તરફથી પણ કોરોનાની વેક્સિન ડેવલોપ કરવામાં આવી છે. જેની સાથે થયેલી ડીલ મુજબ ભારતને એક બિલિયન ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો છે. ઉપરાંત ભારતે રશિયન કોરોના વેક્સિન સ્પૂતનિક Vના 10 કરોડ ડોઝ માટે ડીલ છે. આ વેક્સિનના અંતિમ તબક્કાનું ટ્રાયલ ભારતમાં ચાલી રહ્યું છે.
આ ઉપરાંત હૈદરાબાદની ડૉ. રેડ્ડી સાથે ટ્રાયલ માટે સ્પૂતનિક V એ કરાર કર્યો છે. 11 ઓગસ્ટે જ રશિયાએ આ વેક્સિન ડેવલોપ કરવાનો દાવો કર્યો હતો. જો કે હજુ સુધી ભારત સિવાય કોઈ પણ અન્ય દેશે આ વેક્સિનનો ઓર્ડર નથી આપ્યો. આ સિવાય કોરોના વેક્સિન ડેવલોપ કરનારી કંપનીઓ સનોફી-જીએસકે, ફાઈઝર-બાયોએનટેક અને મૉર્ડર્નાને ભારતે હજુ સુધી કોઈ ઓર્ડર નથી આપ્યો. વેક્સિનના સપ્લાય પહેલા કંપનીઓની વેક્સિનની વૈશ્વિક સ્તરે મંજૂરી લેવી પડશે. ત્યારબાદ જ તેનો સપ્લાય કરવામાં આવશે.