////

ભારત બંધ: આવતીકાલે ગુજરાત કોંગ્રેસ તમામ APMC બંધ કરાવશે

દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા 11 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. ત્યારે ખેડૂતોએ 8 ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. જેમાં કોંગ્રેસ સહિત 22 જેટલી રાજકીય પાર્ટીઓએ ખેડૂતોના ભારત બંધને સમર્થન આપ્યું છે. તો રાજ્યમાં પણ ઘણા માર્કેટિંગ યાર્ડ, વેપારી એસોસિએશન, કોળી સમાજ સહિતે આ બંધને ટેકો આપ્યો છે. તો ભારત બંધને લઈને ગુજરાત કોંગ્રેસે પણ પોતાની રણનીતિ બનાવી છે.

ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ કોંગ્રેસના નેતાઓને આવતીકાલે દરેક જિલ્લામાં APMC બંધ કરાવવાની સૂચના આપી છે. કોંગ્રેસે ખેડૂતોના બંધને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. હવે ગુજરાત કોંગ્રેસ પણ બંધને સફળ બનાવવા માટે સક્રિય થઈ ગઈ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દરેક ધારાસભ્યોને પોતાના વિસ્તારનું APMC બંધ કરાવવા સૂચના આપી છે.

અમિત ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો કે કાર્યકરો ઘર્ષણમાં ન ઉતરે. અમિત ચાવડાએ કોઈ સાથે સંઘર્ષ ન કરવાની કડક શબ્દોમાં સૂચના આપી છે. તેમણે નેતાઓને કહ્યું કે, ખેડૂતો અને વેપારીઓને સમજાવીને બંધમાં સહકાર માગવાનું કહ્યું છે. તેમણે કોંગ્રેસ નેતાઓને ખેડૂતોને સાથે રાખી બંધ કરાવવા જવાનું પણ કહ્યું છે.

કૃષિ કાયદાને રદ્દ કરવા માટે દિલ્હીની સરહદો પર છેલ્લા 11 દિવસથી પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ આવતીકાલે એટલે કે 8 ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. તો ગોંડલ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોના ભારત બંધને ટેકો આપવામાં આવ્યો છે. આવતીકાલે બંન્ને માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે.

Leave a Reply

Your email address will not be published.