///

ભારત બંધ: ઓડિશા-મહારાષ્ટ્રમાં પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકી

આજે નવા કૃષિ કાયદા વિરુદ્ધ આજે ખેડૂત સંગઠનોએ ભારત બંધનું આહ્વાન કર્યું છે. ત્યારે ભારત બંધને પગલે સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી ચક્કાજામ કરવામાં આવશે. દેશની લગભગ 2 ડઝન જેટલી રાજકીય પાર્ટીઓએ ભારત બંધને પોતાનું સમર્થન આપ્યું છે. આ સાથે જ અનેક યુનિયનોએ પણ બંધને પોતાનો ટેકો જાહેર કર્યો છે.

તો બીજી બાજુ ઓડિશામાં લેફ્ટ પાર્ટી, ટ્રેડ યુનિયન અને ખેડૂત સંગઠનો દ્વારા ભુવનેશ્વર રેલવે સ્ટેશન પર ટ્રેન રોકવામાં આવી છે. તો મહારાષ્ટ્રમાં સ્વાભિમાની શેતકરી સંગઠને પણ ભારત બંધના સમર્થન કર્યું છે. સંગઠને બુલઢાણા જિલ્લાના મલકાપુરમાં પાટા પર ઉતરી આવીને રેલ રોકી હતી. જો કે પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી છે.

આ ઉપરાંત ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ ટ્રેનને રોકી હતી. ભારત બંધ દરમિયાન પ્રદર્શન કરી રહેલા સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ બુંદેલખંડ એક્સપ્રેસ ટ્રેન રોકીને સુત્રોચાર કર્યા હતા. તો પૂણેમાં APMC માર્કેટ બંધના દિવસે ખુલી છે. જો કે વેપારીઓનું કહેવુ છે કે, તેઓ ખેડૂતોનું સમર્થન કરે છે. આંધ્ર પ્રદેશના વિજયવાડામાં લેફ્ટ પાર્ટીઓ ખેડૂતોના સમર્થનમાં ધરણાં કરવામાં આવ્યા છે

ભારત બંધને પગલે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ગ્રામીણ વિસ્તારોમાં 144 લાગૂ કરવામાં આવી છે. લખનઉ શહેર ઉપરાંત ગામડાઓમાં 5થી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.