ભારતમાં ભ્રષ્ટાચાર રોકવા માટે વિવિધ સરકારો દ્વારા દાવા કરવામાં આવે છે કે ભ્રષ્ટાચારને ઘટાડવા માટે કામ કરવામાં આવી રહ્યા છે. જોકે એક રિપોર્ટે સરકારોની પોલ ખોલી દીધી છે. ભ્રષ્ટાચારને લગતી એક રિપોર્ટ અનુસાર દાવો કરવામાં આવ્યો છે કે એશિયામાં સૌથી વધારે ભ્રષ્ટાચારી લોકો ભારતમાં છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં લાંચ 39 % છે. 37 ટકા લોકો માની રહ્યા છે કે છેલ્લા 12 મહિનામાં જ ભ્રષ્ટાચાર વધ્યો છે. જ્યારે 63 ટકા લોકો માની રહ્યા છે કે સરકાર ભ્રષ્ટાચાર રોકવા માટે સારા પગલા ભરી રહી છે.
એક સર્વે અનુસાર એશિયામાં ભારતમાં સૌથી વધારે લાંચ રુશ્વત આપવામાં આવે છે. ભારતમાં લાંચનો દર 39 ટકા છે અને સર્વેમાં સામલે 46 ટકા લોકોએ સ્વીકાર્યું છે કે તેમણે જાહેર સેવાનો લાભ લેવા માટે વ્યક્તિગત કનેક્શનનો ઉપયોગ કર્યો છે. 50 ટકા લોકો પાસે કામ કરવાના બદલે રૂશ્વત માંગવામાં આવી જ્યારે 32 ટકા લોકોએ કહ્યું કે વ્યક્તિગત સંબંધોના દમ પર જ સેવા મેળવી શકાય છે બાકી નહીં.
આ સર્વેમાં ભારત બાદ કમ્બોડિયા બીજા સ્થાન પર છે. જ્યારે 37 ટકા લાંચ-રુશ્વતનો દર છે અને ત્રીજા સ્થાન પર ઇન્ડોનેશિયા આવે છે. જાપાન સૌથી ઓછો ભ્રષ્ટ દેશ છે. જ્યાં લાંચખોરી માત્ર બે ટકા જ છે અને ભારતના પડોશી દેશ નેપાળમાં પણ માત્ર 12 ટકા લોકો જ ભ્રષ્ટાચાર કરે છે.
ભારતમાં જે લોકો પર સર્વે કરવામાં આવ્યો તેમાંથી 42 ટકા લોકોએ પોલીસને લાંચ આપી હતી અને ઓળખપત્ર જેવા સરકારી દસ્તાવેજ બનાવવા માટે 41 ટકા લોકોએ લાંચ આપી હોવાનું સ્વીકાર્યું.