પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે, જેનો ભારતે સખ્ત વિરોધ કર્યો છે. જોકે વાત એમ છે કે, ભારતના ભાગ ગિલગિટ-બાલ્ટિસ્તાનને પાકિસ્તાને અંતરિમ પ્રાંતનો દરજ્જો આપ્યો છે. ત્યારે પાકિસ્તાનની આ હરકત પર ભારતે આકરો જવાબ આપ્યો છે. જેમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ, ભારત સરકાર પાકિસ્તાનના ભારતીય ક્ષેત્રમાં ગેરકાયદેસર કબજો અને ફેરબદલને રિજેક્ટ કરે છે. લદ્દાખ (ગિલગિટ બાલ્ટિસ્તાન સહિત) જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.
ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કોઈપણ પ્રકારના ફેરફારનો સ્વીકાર કરાશે નહીં. પીઓકેમાં કોઈપણ પ્રકારના પરિવર્તનનો સ્વીકાર કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું, હું ફરીથી સ્પષ્ટ કરુ છું કે, કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ગિલગિટ-બાલ્ટિસ્તાન સહિત પીઓકે ભારતનું અભિન્ન અંગ છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, વર્ષ 1947માં જમ્મુ કાશ્મીરના ભારત સંઘમાં કાયદેસર અને પૂર્ણ વિલયના કારણે પાકિસ્તાનને સરકાર જબરદસ્તી કબજો કરેલ વિસ્તાર પર હસ્તક્ષેપ કરવાનો કોઇ અધિકાર નથી. પાકિસ્તાન તરફથી આ પ્રકારના પ્રયાસથી પાક અધિકૃત વિસ્તારમાં રહેતા લોકો સાથે છેલ્લા 7 દાયકાઓથી માનવાધિકારોના ઉલ્લંઘન અને આઝાદીથી વંચિત રાખવાને છુપાવી નહીં શકાય. પાકિસ્તાન આ ભારતીય વિસ્તારોનો દરજ્જો બદલવાના બદલે તાત્કાલિક તમામ કાયદેસર કબજાને ખાલી કરો.
તો બીજી બાજુ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જાહેરાત કરી છે કે, ગિલગિટ-બાલ્ટિસ્તાનને બંધારણીય અધિકાર આપવામાં આવશે. અહીં નવેમ્બરમાં ચૂંટણી કરાવવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયાને કારણે તેઓ ગિલગિટ-બાલ્ટિસ્તાન માટે વિકાસ પેકેજોની હાલ જાહેરાત કે ચર્ચા કરી શકે નહીં. અમે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે.