ભારત સહિત અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ બંગાળની ખાડીમાં મંગળવારે માલાબાર મહાનૌકા કવાયત શરૂ કરી હતી. 13 વર્ષ બાદ, પ્રથમવાર આ ચાર દેશોની નૌકાઓ એક સાથે મળીને મોટી નૌકાદળની કવાયતમાં ભાગ લઈ રહી છે.
ત્યારે ભારત-પ્રશાંત વિસ્તારમાં વિસ્તરણવાદી ચીન માટે આ એક મોટો સંદેશ માનવામાં આવે છે. તો બીજી બાજુ ચીનને માલાબાર પ્રથાના ઉદ્દેશ્ય અંગે શંકા પણ છે. તેને લાગે છે કે, આ વાર્ષિક અભ્યાસ એ ભારત-પ્રશાંત ક્ષેત્રમાં તેના પ્રભાવને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે.
માલાબાર પ્રથાના પ્રથમ તબક્કાની શરૂઆત વિશાખાપટ્ટનમ નજીક બંગાળની ખાડીમાં થઈ છે. જ્યારે તેનું સમાપન 6 નવેમ્બરના રોજ થશે. તેનો બીજો તબક્કો અરબી સમુદ્રમાં 17-20 નવેમ્બર દરમિયાન થશે. ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ પ્રધાને સલામત, ખુલ્લા અને સમાવિષ્ટ ભારત-પ્રશાંત ક્ષેત્રને સમર્થન આપવાની મહત્વપૂર્ણ તક ગણાવી છે. એ જ રીતે ભારતમાં યુએસ દૂતાવાસે તેને ભારત-પ્રશાંતમાં ચાર દેશો વચ્ચે મજબૂત સંરક્ષણ સહયોગની પ્રતિબદ્ધતા ગણાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માલબાર અભ્યાસની શરૂઆત ભારતીય મહાસાગરમાં વર્ષ 1992માં ભારતીય નૌકાદળ અને યુએસ નેવી વચ્ચે દ્વિપક્ષીય કવાયત તરીકે થઈ હતી. જ્યારે જાપાન વર્ષ 2015માં આ પ્રથામાં જોડાયું. તો યુ.એસ. વ્યૂહાત્મક ભારત-પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા વર્ચસ્વને અંકુશમાં રાખવા સુરક્ષા માળખા પૂરી પાડવા ચતુર્ભુજ ગઠંબંધનની હિમાયત કરી રહ્યું છે. આ માલબાર નેવલ દાવપેચની 24મી એડિશન છે.