પૂર્વ ભારતીય ઓલ રાઉન્ડર યુવરાજ સિંહ પોતાના જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે યુવરાજે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે, આ વર્ષે જન્મદિવસ ઉજવવાની જગ્યાએ આશા કરીએ કે ખેડૂત અને કેન્દ્ર સરકાર વચ્ચે ટકરાવ જલ્દી સમાપ્ત થશે. આ સાથે જ તેણે પોતાના પિતાના નિવેદનથી પોતાને અલગ કર્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે, આંદોલનના સમર્થનમાં ખેલાડીઓએ પોતાના એવોર્ડ પરત કરી દેવા જોઇએ.
યુવરાજ સિંહે ટ્વિટર પર એક નિવેદન શેર કરતા કહ્યું કે, ખેડૂત દેશનો જીવ છે અને તેમણે લાગે છે કે, શાંતિપૂર્વક વાતચીતથી સમસ્યાનું હલ કાઢી શકાય છે. તેમણે લખ્ચું કે, જન્મદિવસ પોતાની ઇચ્છાઓને પૂર્ણ કરવાની એક તક હોય છે અને આ જન્મદિવસ પર હું ઉજવણી કરવાની જગ્યાએ, માત્ર પ્રાર્થના કરૂ છું કે આપણા ખેડૂતો અને આપણી સરકાર વચ્ચે ચાલી રહેલી વાતચીતનું જલ્દી પરિણામ આવે.
યુવરાજે લખ્યુ કે, હું મિસ્ટર યોગરાજ સિંહે આપેલા નિવેદનથી દુખી અને નિરાશ છું. હું સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે તેમનું નિવેદન અંગત છે અને કોઇ પણ રીતના મારા વિચાર તેમના જેવા નથી. યુવરાજની આ પ્રતિક્રિયા સોમવારે યોગરાજ સિંહે આપેલા નિવેદન પછી આવી છે. જેમાં યોગરાજે કેન્દ્ર સરકારને ખેડૂતોની માંગ સાંભળવાની અપીલ કરી હતી. યોગરાજે તે ખેલાડીઓનું સમર્થન કર્યુ હતું જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ખેડૂતોના સમર્થનમાં પોતાના એવોર્ડ પરત કરી રહ્યા છે.
મહત્વનું છે કે, યોગરાજે કહ્યું હતું કે, ખેડૂત સાચી માંગ કરી રહ્યા છે, સરકારે તેમની વાત સાંભળવી જોઇએ. હવે સમય આવી ગયો છે કે સરકારે તેનું નિવારણ કાઢી સામે આવવુ જોઇએ અને હું તે ખેલાડીઓનું સમર્થન કરૂ છું જે પોતાના એવોર્ડ પરત કરી રહ્યા છે.