///

કચ્છમાં વર્ષોથી ધૂ ખાઈ રહેલા પ્રોજેક્ટ પર PM મોદીના પ્રવાસ સાથે સક્રિય કામગીરી શરૂ

આજે PM નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવ્યા છે, ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા માંડવીમાં ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેમાં દરિયાના ખારા પાણીને મીઠા જળમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ પ્લાન્ટને કચ્છના માંડવીના મુન્દ્રા તાલુકાના આઠ લાખ લોકોને ખુબ જ ફાયદો થશે. તેમની પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.

વડાપ્રધાનની મુલાકાત સમયે જ આ પ્રોજેક્ટ પર સક્રિય કામગીરી શરૂ થઇ છે. અત્યાર સુધી આ પ્રોજેક્ટ જ્યાં શરૂ કરવાનો હતો ત્યાં બાવળનું જંગલ હતું. જો કે વડાપ્રધાનનો કાર્યક્રમ જાહેર થતા જ ત્યાં રોડથી લઈને સંપુર્ણ તૈયારી કરી લેવામાં આવી હતી. આ પ્રોજેક્ટ અંગે જાહેરાત પણ લાંબા સમયથી થઇ હતી. પરંતુ તંત્રએ આ પ્રોજેક્ટને માળીએ ચડાવી દીધો હોય તે પ્રકારનું વર્તન હતું.

ઉલ્લેખનીય છે કે, જે સ્થળ પર પ્લાન્ટ નિર્મિત થવાનો હતો ત્યાં ધોળા દિવસે પણ જતા ડર લાગે તેવું વાતાવરણ હતું. ત્યાં જવા માટે ન તો યોગ્ય માર્ગ હતો. કદાચ ત્યાં ભુલે ચુકે પહોંચી પણ જાઓ તો બાવળની ઝાડીઓથી સમગ્ર વિસ્તાર ભરેલો પડ્યો હતો. ત્યારે અભેરાઇએ પડેલા આ પ્રોજેક્ટ તરફ ભાગ્યે જ કોઇ અધિકારીની નજર પણ ગઇ હશે.

આ પ્લાન્ટ વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ જાહેર થતાની સાથે જ જે સ્થળે લાગવાનો હતો તે સ્થળ પર જવા માટે ચકચકીત માર્ગ પણ બની ગયો હતો. રોડની બંન્ને તરફ અલગ રંગના ઝંડાઓ પણ લાગી ગયા હતા. આ ઉપરાંત પ્લાન્ટ જે સ્થળ પર બનાવવાનો છે, ત્યાં બાવળની ઝાડીઓ કાપીને જગ્યાને સમથળ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આસપાસ પણ ખાસ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. જો કે હવે આ પ્રોજેક્ટ વડાપ્રધાન મોદીના શિલાન્યાસ બાદ ફાસ્ટ ટ્રેક પર આવે તેવી સ્થાનિકો આશા રાખી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.