/////

અમદાવાદની આ 2 હોસ્પિટલમાં મળશે મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શન

રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસને મહામારી જાહેર કરી દેવાઈ છે. મ્યુકોરમાઈકોસિસના વધી રહેલા કેસને કારણે તેના ઈન્જેક્શન અવેલેબલ કરાવવા સરકાર માટે મોટી ચેલેન્જ છે. આ માટે રાજ્ય સરકારે મ્યુકોરમાઇકોસીસની સારવાર માટે વપરાતા એમ્ફોટેરેસીન બી ઇન્જેક્શન દર્દીને મળી રહે તે માટે 8 હોસ્પિટલ અધિકૃત કરી છે. ઈન્જેક્શનની કાળાબજારી ન થાય તે માટે હવે ખાનગી હોસ્પિટલના દર્દીઓને પણ મ્યુકોરમાઇકોસિસના એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શન સરકાર આપશે.

આ વિશે સોલા સિવિલ હોસ્પિટલના RMO ડો.પ્રદીપ પરમારનું કહેવુ છે કે, અમદાવાદમાં બે હોસ્પિટલના માધ્યમથી દર્દીઓના સગાને એમ્ફોટેરેસીન બી ઇન્જેક્શન મળશે. અમદાવાદ શહેરમાં આવેલી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા દર્દીના સ્વજનને SVP હોસ્પિટલમાંથી, જ્યારે કે અમદાવાદ ગ્રામ્યમાં આવેલી હોસ્પિટલમાં રહેલા દર્દીઓને સોલા સિવિલ હોસ્પિટલમાંથી ઇન્જેક્શન મળશે.

ઈન્જેક્શનના ડોઝ મેળવવા સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા તજવીજ હાથ ધરાઈ છે. જલ્દીથી જ ઇન્જેક્શનના ડોઝનું વિતરણ શરૂ કરાશે. સોલા સિવિલમાં GMSCL તરફથી આપવામાં આવનાર જથ્થા મુજબ દર્દીના સગા પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ લીધા બાદ ઈન્જેક્શન આપવામાં આવશે. 5300 રૂપિયાથી લઈને 6300 રૂપિયા સુધીની કિંમતના ઇન્જેક્શનના ડોઝ દર્દીઓના સગાને આપવામાં આવશે. જોકે અધિકૃત કરાયેલી 8 હોસ્પિટલ સિવાયના જિલ્લામાં જો કોઈ દર્દીને એમ્ફોટેરેસીન બી ઇન્જેક્શનની જરૂર પડે તો ક્યાંથી મળશે તેને લઈને હજુ અસમંજસ છે.

તો બીજી તરફ, બ્લેક ફંગસ માટે વધુ 5 કંપનીઓ ઈન્જેક્શન બનાવશે તેવી માહિતી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી આપી છે. હાલ દેશમાં 6 કંપનીઓ બ્લેક ફંગસ માટેના ઈન્જેક્શન બનાવી રહી છે. બજારમા વર્તાયેલી અછતના પગલે ઝડપી પ્રોડક્શન પર ભાર અપાશે. ઈન્જેક્શન બનાવી રહેલી વર્તમાન કંપનીઓને વધુ ઈન્જેક્શન બનાવવા સૂચન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.