///

સુરતમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડમાં વધુ કૌભાંડીઓના નામ ખુલ્યા

સુરત શહેરમાં બોગસ પેઢીઓના નામે કેટલાક વેપારીઓ બોગસ ઈન્વોઈસ બીલોના આધારે કરોડની ઈમ્પૂટ ટેક્સ ક્રેડીટ ઉસેટવાનું કૌભાંડ કરી રહ્યા છે, ત્યારે એમની સામે DGGI દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે હાલમાં જ પકડાયેલા ઝાયદ ચક્કીવાલાની તપાસમાં વધુ સાત કૌભાંડી વેપારીઓના નામો સામે આવ્યા હતા, જોકે કેટલાક એવા પણ લોકો છે જેમની સીધી ભાગીદારી પૂરા કૌભાંડમાં જોવા મળી છે. જેમાં મુંબઈ સુધીના છેડા સામે આવ્યા છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે ડાયરેકટર જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સના સુરત યુનિટ દ્વારા બોગસ પેઢીઓના નામે બોગસ બીલીંગ કૌભાંડ આચરી કરોડો રુપિયાની ટેક્સ ક્રેડીટ મેળવનાર વૈદન ઈમ્પેક્ષ લિના સંચાલક મહમહ ઝાયદ ચક્કીવાલાને ત્યાં તપાસ શરૂ કરી હતી. જેમાં અધિકારીઓને અનેક વાંધા જનક દસ્તાવેજો મળી આવતાં તેમનું વેરીફિકેશન હાથ ધર્યું હતું. મહમદ ઝાયેદ ચક્કીવાલાએ મે.વૈદન ઈમ્પેક્ષ પ્રા.લિ.ના રજીસ્ટ્રેશન નંબરનો દુરુપયોગ કરીને અંદાજે રૂ. 6.54 કરોડની ઇનપુટ ટેક્ષ ક્રેડીટ વિભાગમાંથી ખોટી રીતે મેળવી હોવાનું ખુલવા પામ્યું હતું. જોકે વેડરોડ સ્થિત મૈ.વૈદાન ઈમ્પેક્ષના સંચાલક મહમદ ઝાયેદ ચાંદીવાલાએ કુલ 73 જેટલી બોગસ પેઢીઓ ઉભી કરી છે. જેના થકી અંદાજે 100 કરોડનું કૌભાંડ આચર્યું છે. હાલમાં તપાસ કરાયેલી 13 બોગસ પેઢીઓમાં માલ સપ્લાય કર્યા વિના બોગસ બીલોના આધારે રૂ.6.54 કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હોવાનું સામે આવ્યું છે, બાકીની પેઢીઓની તપાસ થતાં આંકડો વધી શકે છે.

આ ઉપરાંત DGGIની તપાસમાં સાત વેપારીઓના નામ તો સામે આવ્યા હતાં પરંતુ આ સાથે જ ઝૈદ ઉપરાંત આ સમગ્ર કૌભાંડમાં ઈમરાન, કાદીર, ગૌતમ, શંકર, સુદ્ધાર્થ અને પાંડે નામના વ્યક્તિની સંડોવણી પણ હોવાનું ખુલવા પામ્યું છે. DGGIની તપાસમાં સિદ્ધાર્થ બાયબેકમાં માલ સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે પાંડે મુંબઈ કસ્ટમ હાઉસમાંથી માલ બહાર કઢાવતો એજન્ટ છે. આમ આ પૂરી ટોળકી સાથે મળીને સમગ્ર કૌભાંડ આચરતી હતી.

Leave a Reply

Your email address will not be published.