અલંગમાં ભાંગવા આવેલા જહાજ INS વિરાટને મ્યૂઝિયમમાં ફેરવવાની માગ ફગાવાઈ છે. કેન્દ્રીય રક્ષા મંત્રાલયે મ્યૂઝિયમમાં ફેરવવાની માગ ફગાવી દીધી છે. INS વિરાટ હવે અલંગમા જ તુટશે. સપ્ટેમ્બર માસમા અલંગમાં ભાંગવા લઇ આવેલુ જહાજ હજુ કિનારાથી દૂર છે. તેને મ્યૂઝિયમ બનાવવા માટેની માગ સાથે મુંબઈની એક કંપનીએ ખરીદવા તૈયારી દર્શાવી હતી. હવે માગ ફગાવી દેતા 4 માસથી દરિયામાં ઉભેલા જહાજને આખરે પ્લોટમાં જ ભાંગવાની શરૂઆત કરાશે.
જહાજ ખરીદીને સંગ્રહાલયમાં ફેરવવા માટે મુંબઈ સ્થિત કંપની એન્વીટેક મરિન તૈયાર થઈ હતી. અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.9માં 28મી સપ્ટેમ્બરના રોજ બીચ થયેલા વિરાટને મ્યૂઝિયમમાં તબદીલ કરવા માટે મુંબઇની એન્વીટેક મરિન કન્સલટન્ટ પ્રા.લિ. દ્વારા મુંબઇ હાઇકોર્ટમાં રીટ પિટીશન દાખલ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા પીટીશનનો નીકાલ કરતા જણાવ્યું હતુ કે, અરજદાર અને અંતિમ ખરીદનાર રાજી હોય તો અમને કોઇ વાંધો નથી, જરૂરી સરકારી પરવાનગીઓ લઇ જહાજનો નિર્ણય લઇ શકાય.
થેંક્યું વિરાટના કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય શિપિંગ પ્રધાન મનસુખ માંડવ્યા એ જાહેરમાં કહ્યું હતું કે આ જહાજ ૭૦ વર્ષ જૂનું હોય એક્સપર્ટના અભિપ્રાય મુજબ તેને મ્યુઝિયમમાં ફેરવી શકાય નહીં અને જો ફેરવાય તો મોટો અકસ્માત થવાની સંભાવના છે
ભારતીય નૌસેનાનું બીજુ વિમાનવાહક જહાજ INS વિરાટ 6 માર્ચ, 2017ના રોજ સેવાનિવૃત્ત થયું હતું. INS વિરાટ ઉત્કૃષ્ઠ પ્રકારનું બીજુ વિમાનવાહક જહાજ છે, જેણે ભારતીય નૌસેનામાં 30 વર્ષ સુધી સેવા આપી હતી. આ પહેલા તેણે બ્રિટનના રોયલ નેવીમાં 25 વર્ષ સુધી સેવા આપી હતી. તેનો હેતુ વાક્ય ‘જલમેવ યસ્ય, બલમેવ તસ્ય’ હતું. જેનો મતલબ થાય છે કે, જેનો સમુદ્ર પર કબ્જો છે, તે જ સૌથી વધુ બળવાન છે. INS વિરાટનું નામ ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે. તે દુનિયાનું એકમાત્ર એવું જહાજ છે, જે વૃદ્ધ થયા બાદ પણ ઉપયોગમાં લેવામાં આવતુ હતું અને તેમ છતા સારી કન્ડીશનમાં હતું. તેને ‘ગ્રેટ ઓલ્ડ લેડી’ નામથી પણ ઓળખવામાં આવતુ હતું. પશ્ચિમી નૌસેના કમાન તરફથી કહેવામાં આવ્યું હતું કે, તે ઈતિહાસમાં સૌથી વધુ સમય સેવા આપનાર જહાજ છે.