///

રાજ્યમાં MBBSના ઈન્ટર્ન તબીબોની હડતાળનો અંત

છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં પોતાની વિવિધ માંગોને લઈને હડતાળ કરી રહેલા MBBSના ઈન્ટર્ન તબીબોએ પોતાની હડતાળ સમેટી લેવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા તેમની માંગણી સ્વીકારવાની બાંહેધરી મળતા આખરે ઈન્ટર્ન તબીબોએ પોતાની હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. ત્યારે મહત્વનું છે કે, રાજ્યમાં સ્ટાઈપમેન્ટ વધારવાની માંગને લઈને ઈન્ટર્ન તબીબો છેલ્લા ત્રણ દિવસથી આંદોલન કરી રહ્યાં હતા.

આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તબીબી પ્રતિનિધિ મંડળના સભ્યોની માંગણી અને રજુઆત ઉપરાંત પ્રત્યેક મુદ્દાઓ સંદર્ભે લંબાણપૂર્વક ચર્ચા કરી હતી. આ બેઠકમાં તબીબોના પ્રશ્નો અંગે વ્યાજબી અને યોગ્ય નિરાકરણ લાવવા નાયબ મુખ્યપ્રધાનએ હૈયાધારણા આપી હતી અને કોરોનાની આ મહામારીના સમયમાં ડોક્ટરોની ફરજ દર્દીઓની સેવા કરવાની છે તેથી હડતાળ પાડવી વ્યાજબી અને યોગ્ય નથી,જે પણ મુદ્દાઓ હોય તે અંગે વાટાઘાટો કરીને યોગ્ય નિર્ણય થઇ શકે છે તેથી હડતાળ પાછી ખેંચવા લાગણી વ્યકત કરી હતી.

ત્યારે આ વાતને ધ્યાને લઇને તબીબી પ્રતિનિધિઓએ તેમની રીતે કરેલી ચર્ચા બાદ સર્વ સંમતિથી હડતાળ બિનશરતી રીતે પાછી ખેંચવાનો નિર્ણય લઇને મિડીયા સમક્ષ જાહેરાત કરીને આ હડતાળમાં જોડાયેલા તબીબોને પુનઃફરજ પર જોડાવા અપીલ કરી છે. આ બેઠકમાં વડોદરાના ડોક્ટર અને પ્રોફેસર વિજયભાઈ શાહ ઉપસ્થિતિ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.