///

રાજ્યમાં આવતીકાલે સ્ટાઈપેન્ડમાં વધારાની માગ સાથે ઈન્ટર્ન તબીબોની હડતાળ

રાજ્યમાં આવતીકાલે ઈન્ટર્ન તબીબો હડતાળ પર ઉતરશે. જેમાં સ્ટાઈપેન્ડમાં વધારો, કોવિડ ડ્યુટી બદલ ઈન્સેન્ટિવ આપવામાં આવે તેવી માંગ સાથે ઈન્ટર્ન તબીબો હડતાળ પર ઉતરવાના છે. એપ્રિલ મહિનાથી અત્યાર સુધી બજાવેલી ફરજના સમયગાળાને બોન્ડ સમયગાળામાં 1:1 ગણીને ઇન્ટર્નશીપ પૂર્ણ થયે ઉપરોક્ત તમામ ઇન્ટર્ન તબીબોને બોન્ડ મુક્ત ગણવાની માંગ કરી છે. હાલ MBBS ઇન્ટર્ન ડોક્ટરોને સ્ટાઈપેન્ડ પેટે 12,800 રૂપિયા આપવામાં આવે છે, જે વધારીને 20,000 કરવા માંગ કરાઈ છે. તેમજ આ સ્ટાઈપેન્ડમાં વધારો એપ્રિલ 2020 થી સ્વીકારી બાકીની રકમ એરિયર્સરૂપે આપવામાં આવે.

આ ઉપરાંત કોવિડમાં બજાવેલી ફરજના ભાગરૂપે પ્રોત્સાહિત માનદ મહેનતાણું ઓછામાં ઓછું પ્રતિદિન 1 હજાર લેખે આપવામાં આવે તેવી ઇન્ટર્ન તબીબોની સરકાર સામે માંગ છે. તમામ સરકારી, GMERS તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો સરકાર તેમજ અધિકારીઓને અનેકવાર કરી રજૂઆત કરી ચૂક્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી ઇન્ટર્ન ડોક્ટરો પોતાની રજૂઆત નાયબ મુખ્યપ્રધાન સીએમ નીતિન પટેલ, આરોગ્ય સચિવ, આરોગ્ય કમિશ્નર, ડીન સહિત અધિકારીઓને રૂબરૂ તેમજ લેખિતમાં રજૂઆત કરી ચૂક્યા છે.

આવતીકાલે સોમવારથી ઈન્ટર્ન તબીબો સેવાઓથી અળગા રહેશે. કોરોના સમયગાળામાં અન્ય રાજ્ય કરતા ઓછું વેતન રાજ્ય સરકાર ડોકટરોને આપી રહ્યું છે તેવો આક્ષેપ ઈન્ટર્ન ડોકટરોએ મુક્યો છે. ઈન્ટર્ન તબીબોની માંગણી છે કે, તેઓ સતત ખડેપગે સેવા બજાવી રહ્યાં છે ત્યારે અમને યોગ્ય વળતર મળવું જોઈએ. ઈન્ટર્ન તબીબો આ વિશે અવારનવાર રજૂઆત કરી ચૂક્યા છે. સાથે જ તેઓએ સોશિયલ મીડિયા પર પણ આ વિશે રોષ વ્યક્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.