////

રાજ્યના વનપ્રધાનને સિંહ ગુજરાતમાં જ રાખવા માટે કરાઇ રજૂઆત

જૂનાગઢના ગિર જંગલમાં રહેતા સાવજો ગુજરાતનું ઘરેણું છે તેમ કહેવાઇ છે. ત્યાં રહેતા નાગરિકો પણ સિંહની સંભાળ રાખે છે. તેવા સમયે ગુજરાત સરકાર દ્વારા આ સાવજોને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સ્થળાંતર કરવા માટે વિચાર કરી રહી છે. ત્યારે આ સમાચારને લઈને સિંહપ્રેમીઓ નારાજ થયા છે.

સેવ એશિયાટિક લાયન પરિવાર દ્વારા આજે રાજ્યના વનપ્રધાન ગણપત વસાવાને ગુજરાતના સિંહને ગુજરાતમાં જ રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

આ તકે સેવ એશિયાટિક લાયન પરિવારના મયંક ભટ્ટે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગતિ અને પ્રગતિશીલ સરકાર હોવાના દાવા કરતા નેતાઓના રાજમાં 674 ગુજરાતના સાવજો ભારે પડી રહ્યા છે. ગુજરાતનું ઘરેણું એવા ગિરના સિંહોને સરકાર અન્ય રાજ્યમાં ખસેડી રહી છે તે તેમની નિષ્ફળતા પૂરવાર કરી રહી છે. ત્યારે આ બાબતે ગુજરાત હાઇકોર્ટમાં મારા દ્વારા પીઆઈએલ પણ કરવામાં આવી છે. ગુજરાત સરકાર શા માટે ગુજરાતના સાવજોને અન્ય રાજ્યોમાં ખસેડી રહી છે તેનો જવાબ માગવામાં આવી રહ્યો છે. તેને અનુસંધાને જ આજે વનપ્રધાનને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જો ગુજરાતના સાવજોને અન્ય રાજ્યમાં ખસેડવામાં આવશે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી.

Leave a Reply

Your email address will not be published.