આઈપીએલ 2020ની શરૂઆતમાં કિંગ્સ ઈલેવન પંજાબ ટીમને કંઈ ખાસી સફળતા હાંસલ થઈ નથી. પરંતુ જે રીતે ટીમે સતત 4 જીત મેળવી લીધી છે, તેને નજરઅંદાજ પણ કરી શકાય નહી. ત્યારે શનિવારે પંજાબની ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદને રોમાંચક મુકાબલામાં 12 રનથી માત આપી હતી અને પોઈન્ટ ટેબલમાં 5મું સ્થાન મેળવ્યું હતું. આ જીત બાદ પંજાબના પ્લેયર્સ બહુ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા હતા. તો ત્યારે પ્રીતિ ઝિંટા પણ અત્યંત ખુશી થઈ હતી. એ એટલી ખુશ થઈ હતી કે તેણે મેદાન તરફ નજર ફેરવીને ફ્લાઈંગ કિસ આપી હતી. આ મોમેન્ટને તેના ફેન્સ બહુ જ પસંદ કરી રહ્યાં છે.
હાલ સોશિયલ મીડિયામાં પ્રીતિ ઝિંટાની ફ્લાઈંગ કિસ ચર્ચાને ચગડોળે ચઢી છે. પ્રીતિ ઝિંટા ચાર જીતથી હાલ ફુલ ફોર્મમાં છે. તેણે ટ્વિટર પર લખ્યું કે, હું એટલી ઉત્સાહિત છું કે, આજે ઊંઘી નહિ શકું. પરંતુ કોઈ વાત નથી. અપના પંજાબ જીત ગયા. આશા રાખું છું કે, આપણે હવે આપણા ફેન્સને કોઈ ઝટકા નહિ આપીએ. આજે આપણને બધાને શીખ મળી છે કે, આપણે અંતિમ પળ સુધી હાર માનવી ન જોઈએ. અંત સુધી લડાઈ ચાલુ રાખવી જોઈએ.
આ ઉપરાંત પ્રીતિએ આ જીતની ક્રેડિટ પોતાની ટીમના બેટ્સમેનને આપી છે. જેમાં ક્રિસ જોર્ડન, મોહંમદ શમી, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, અશ્વિન મુરુગન અને મનદીપ સિંહ સામેલ છે. સાથે જ પ્રીતિએ કેએલ રાહુલના કેપ્ટનશિપના પણ વખાણ કર્યાં છે.