////

છેલ્લા 4 દિવસથી કેદારનાથ ધામમાં હિમવર્ષા થઇ રહી છે, બરફની ચાદર છવાઇ

દેશમાં એકબાજુ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે બીજી બાજુ ઉત્તરાખંડમાં આવેલા કેદાનાથ ધામ પર છેલ્લા 4 દિવસથી હિમવર્ષા થઈ રહી છે. જેને કારણે વિસ્તારમાં ચારેબાજુ બરફની સફેદ ચાદર છવાઈ ગઇ છે. ત્યારે પુરા વિસ્તારમાં છવાયેલી ચાદરનો નજારો બહુ સુંદર થઇ ગયો છે. અત્યારે મંદિરની આસપાસ બરફ પથરાયો હોવાથી સ્વર્ગધામ જેવી અનુભૂતિ થઇ રહી છે.

ઉત્તરાખંડમાં સતત વરસાદ અને હિમવર્ષાને કારણે વાતાવરણ એકદમ પલટાઇ ગયું છે. કેદારનાથમાં સતત હિમવર્ષા થતાં આશરે એક ફૂટ જેટલો બરફ જામી ગયો છે. સ્થાનિક તંત્રે ખરાબ હવામાનને ધ્યાનમાં લઇ રાજ્યમાં ચાલું તમામ નિર્માણ કાર્ય અટકાવી દીધું છે. જેથી કરીને સંભવિત દુર્ઘટનાને ટાળી શકાય.

જોકે કેદારનાથ ઉપરાંત બદરીનાથમાં પણ ઊંચા શિખરો પર ભારે હિમવર્ષા થઇ રહી છે. છેલ્લા 4 દિવસથી થઇ રહેલી હિમવર્ષાને કારણે વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ પણ વધી ગયું છે. રાજ્યમાં દહેરાદૂન સહિત ઘણા મેદાની શહેરમાં ગુરુવાર રાતથી વરસાદ પડી રહ્યો છે.

જેમાં ચારધામ સહિત પર્વતીય વિસ્તારોમાં બરફ પડી રહ્યો છે. જેમાં ચકરાતા, હેમકુંડ સાહિબ, ઔલી, હર્ષિલ વગેરે સ્થળોનો સમાવેશ થાય છે. પર્વતોની રાણી મસૂરીમાં તાપમાન ગગડતો ઠંડી લાગવા મંડી છે.

હવામાન ખાતા મુજબ ઉત્તરાખંડના દહેરાદૂન, ટિહરી, પૌડી, અલમોડા, નેનીતાલ, ચમ્પાવતના અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ક્યાંક ગાજવીજ સાથે પણ વરસાદ પડી શકે છે. જ્યારે મેદાની વિસ્તારોમાં 30-40ની ઝડપે પવન ફૂકાઇ શકે છે. ઉપરાંત શનિવારે ઉત્તરકાશી, ચમોલી, બાગેશ્વર, અલ્મોડા, નેનીતાલ અને પિથોરાગઢમાં વરસાદની પડવાની સંભઆવના છે.

Leave a Reply

Your email address will not be published.