///

રાજ્યની 8814 સસ્તા અનાજની દુકાનોમાં ગેરરિતી થતી હોવાનો થયો ઘટસ્ફોટ

રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન સસ્તા અનાજની 28,341 દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાંથી 8814 દુકાનોમાં ગેરરીતિ જોવા મળી હતી. ત્યારે આ ગેરરીતિ કરનારા દુકાનદારોમાંથી 6870 દુકાનદારો સામે પગલાં લેવામાં આવ્યા હતા. જયારે 1944 દુકાનદારો સામે કોઇ જ પગલાં લેવામાં આવ્યા નહીં હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે.

આવા દુકાનદારો પાસેથી 5 લાખ 96 હજાર 781 કિલોગ્રામ અનાજનો જથ્થો રાજ્યસાત કરવામાં આવ્યો હતો. તો 5,16,45,755ની રકમ દંડ પેટે વસૂલ કરવામાં આવ્યા છે. જયારે 507 દુકાનોના પરવાના મોકૂફ રાખવામાં આવ્યા હતા. તો 108 પરવાના રદ કરવામાં આવ્યા છે. જયારે 26 દુકાનદારો સામે કોર્ટમાં કેસો કરવામાં આવ્યા છે. જયારે 1432 કેસો અનિર્ણિત છે.

જોકે આ અંગે કોંગ્રેસ તરફથી જણાવાયું છે કે, ગરીબોને અન્ન અધિકાર આપવામાં આવ્યો છે. તે દુકાનદારો અને માફીયાઓ દ્વારા આચરવામાં આવતી ગેરરીતિના કારણે અન્નના અધિકારથી વંચિત રહેવાનો વારો આવે છે.

કોંગ્રેસના ધારાસભ્ય તરફથી રાજ્યની કેટલી સસ્તા અનાજની દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા, તેમાંથી કેટલી દુકાનોમાં ગેરરીતિ જણાઇ, તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી તે અંગેના જુદા જુદા જિલ્લાઓની વિગતો માંગતા પ્રશ્નો વિધાનસભામાં પૂછવામાં આવ્યા હતા. રાજયના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતના મંત્રીએ આપેલા ઉત્તરોને સંકલિત કરીને કોંગ્રેસ પક્ષ તરફથી વિગતો જાહેર કરવામાં આવી છે.

તો રાજ્યના 33 જિલ્લાઓમાં સસ્તા અનાજની દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં સાથી વધુ ભરૂચ જિલ્લાની 1928 દુકાનો, છોટા ઉદેપુરની 1429, સુરેન્દ્રનગરમાં 2073, બનાસકાંઠામાં 2590 ખેડામાં 1508 દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાના પગલે 507 દુકાનોના પરવાના મોકૂફ કરવામાં આવ્યા હતા.

તો 108ના પરવાના રદ કરવામાં આવ્યા હતા. જયારે 26 જણાં સામે કોર્ટમાં કેસો દાખલ કરવામાં આવ્યા છે. અને 1432 કેસો અનિર્ણિત હોવાનો જવાબ આપવામાં આવ્યો છે. આમ સસ્તા અનાજની દુકાનોમાં મોટાપાયે ગેરરીતિ થતી હોવાની વિગતોનો ઘટસ્ફોટ થવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published.