/

અમેરિકામાં જો બાઈડન અને કમલા હેરિસનું જનતાને સંબોધન

ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર જો બાઈડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બનશે. 77 વર્ષના બાઈડન અમેરિકાના રાષ્ટ્રપતિ બનનારા સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ છે.

બાઈડને જીત બાદ પ્રથમ વખત અમેરિકાની જનતાને સંબોધન કર્યું હતું. આ તકે બાઈડને કહ્યું કે, આ દેશના લોકોએ એક સ્પષ્ટ જીત અપાવી છે. હું આ દેશને વહેંચવાની જગ્યાએ એક જૂથ કરીશ.

મને ખબર છે કે જે લોકોને ટ્રમ્પે વોટ આપ્યો છે, તે આજે નિરાશ હશે. હું પણ ઘણી વખત હાર્યો છું, આ જ લોકતંત્રની સુંદરતા છે કે આમા દરેકને તક મળે છે. ચાલો, નફરત ખતમ કરો. એક બીજાની વાત સાંભળો અને આગળ વધો. વિરોધીઓને દુશ્મન સમજવાનું બંધ કરો, કારણ કે આપણે સૌ અમેરિકન્સ છીએ. બાઈબલ આપણને શીખવાડે છે કે દરેક વસ્તુનો એક સમય હોય છે. હવે તેને ભરવાનો સમય છે. સૌથી પહેલા કોવિડ-19ને કંટ્રોલ કરવાનું રહેશે, પછી ઈકોનોમી અને દેશને રસ્તા પર લાવવો પડશે.

દરેક વર્ગનો સાથ મળ્યો

બાઈડને અમેરિકાની અનેકતામાં એકતાનો ઉલ્લેખ કર્યો. કહ્યું-મને ગર્વ છે કે અમે દુનિયાના સૌથી જૂના લોકતંત્રમાં વિવિધતા જોઈ. તેમના બળ પર જીત્યાં. સૌને સાથે લાવ્યા. ડેમોક્રેટ્સ, રિપબ્લિકન્સ, અપક્ષ, પ્રોગ્રેસિવ રૂઢિવાદી, યુવા, વૃદ્ધ, ગ્રામીણ, શહેર , સમલૈંગિક, ટ્રાન્સજેન્ડર, લેટિન, શ્વેત, અશ્વેત અને એશિયન. અમને દરેકનું સમર્થન મળ્યું, કેમ્પેઈન ઘણું મુશ્કેલ રહ્યું. ઘણી વખત નીચલા સ્તરે પણ ગયો. આફ્રિકન-અમેરિકન કોમ્યુનિટી અમારી સાથે ઊભી છે.

બાઈડને વધુમાં કહ્યું કે, હું સમજી શકું છુ કે, ડોનાલ્ડ ટ્રમ્પ કઈ રીતે નારાજ છે. આપણે પ્રતિસ્પર્ધી છીએ. ટ્રમ્પને હરાવી વ્હાઈટ હાઉસમાં સ્થાન લેનાર બાઈડન અમેરિકીના ઈતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી વયોવૃદ્ધ રાષ્ટ્રપતિ હશે. રિપોર્ટ અનુસાર પેન્સિલવેનિયામાં જીત મેળવતા જ 77 વર્ષીય પૂર્વ ઉપરાષ્ટ્રપતિ બાઈડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ હશે. આ રાજ્યમાં જીત મેળવ્યા બાદ બાઈડનને 270થી વધુ ઈલેક્ટોરલ મત મળ્યા હતાં. જે જીત માટે જરૂરી હતાં.

કમલા હેરિસે સંબોધન કરતા કહ્યું…

કમલા હેરિસે કહ્યું કે, ડેમોક્રેસીની કોઈ ગેરેંટી નથી હોતી. આ એ વાત પર નિર્ભર કરે છે કે તમે તેને જાળવી રાખવા માટે કેટલી મહેનત કરી રહ્યાં છો. તેના માટે ઈચ્છાશક્તિ જોઈએ. એટલા માટે તેને સામાન્ય બાબત ન ગણશો. તેના માટે બલિદાન આપવા પડે છે. ત્યારબાદ જ ખુશી મળે છે. અમે પણ આવું જ કહી રહ્યાં છીએ. આ વખતના મતદાનમાં લોકતંત્ર પણ દાવ પર હતું. તમે અમેરિકાને એક નવી સવાર બતાવી છે. ચાર વર્ષ સુધી તમે બરાબરી અને ન્યાય માટે યુદ્ધ કરતા રહ્યાં છો. ત્યારબાદ મતદાનની તક મળી.

આપણે સૌએ મળીને આ દેશને સુંદર બનાવ્યો છે. હવે તમારી અવાજ સાંભળવામાં આવશે, હું માનું છું કે આ વખતે પડકાર આપણી સામે છે. ખાસ કરીને છેલ્લા ઘણા મહિનાઓ મુશ્કેલી ભરેલા રહ્યાં હતા. આપણે ઘણું દુઃખ સહન કર્યું, પણ આપણી પાસે હિંમત અને જુસ્સો છે. તમે જો બાઈડન અને મને ચૂંટ્યા છે.

ઉલ્લેખનિય છે કે ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા પહેલા બાઈડન પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળમાં ઉપરાષ્ટ્રપતિ પદ પર રહી ચૂક્યા છે. તે ડેલાવેયરના સૌથી લાંબા સમય સુધી સેનેટર પણ રહ્યા છે. ભારતીય મૂળ સીનેટર કમલા હેરિસ અમેરિકાની પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બનશે. 56 વર્ષીય કમલા હેરિસ દેશની પ્રથમ ભારતીય અશ્વેત અને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ હશે. બાઈડન અને હેરિસ આગામી વર્ષ 20 જાન્યુઆરીના રોજ શપથ લેશે.

Leave a Reply

Your email address will not be published.