////

તૌકતે વાવાઝોડાથી વીજ સંલગ્ન નુકસાનને પહોંચી વળવા જૂનાગઢ PGVCL ના 49 ઇજનેરો, 54 ટીમ સ્ટાફ, 49 કોન્ટ્રાક્ટરની ટીમ 24 કલાક ખડેપગે

૧૭ મે ના રોજ તાૌકતે વાવાઝોડામાં સૌથી વધુ નુકશાન પી.જી.વી.સી.એલ. ને થયુ છે. વિજ પોલ પડી જવા, ભાંગી જવા અને ઝાડ પડવાથી વિજ લાઇનોને નુકશાન. આ બધા વચ્ચે વિજ ફોલ્ટના ફોન સતત ફોલ્ટ સેન્ટરોમા રણકતા રહયા. સતત રણકતા ફોન વચ્ચે સલામ છે એ વિજ કર્મયોગીઓને જેણે યુધ્ધના ધોરણે વિજ પુરવઠાની સ્થિતીને થાળે પાડી. કારણ છેલ્લા ઘણા વર્ષોથી આપણે વિજળી વેરણ થવાની ઘટનાઓથી ટેવાયા નથી. શહેરો સાથે ગ્રામ્ય વિસતારમાં પણ હવે લોકો ૨૪ કલાક વિજ પુરવઠાના આદતી થઇ ગયા છે.

જૂનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લામાં આવેલા વાવાઝોડા પવન અને ભારે વરસાદથી જિલ્લામાં વીજ પ્રવાહમાં ગતિરોધ થયો હતો.મોટી સંખ્યામાં વીજ લાઈનોને નુકશાન અને થાભલા પડી જવાના ફરિયાદો પી.જી.વી.સી.એલ જૂનાગઢ વર્તુળ કચેરીનાં તાબા હેઠળની જૂનાગઢ શહેર, જૂનાગઢ ગ્રામ્ય-૧, જૂનાગઢ ગ્રામ્ય-૨, વેરાવળ વિભાગીય કચેરીને મળી હતી. આ તમામ નુકસાનને યુધ્ધના ધોરણે પહોંચી વળવા અને સમગ્ર પરિસ્થિતિની પૂર્વવત કરવા જૂનાગઢ પી.જી.વી.સી.એલ.ની ટીમો કાર્યરત બની છે.

જૂનાગઢ વર્તુળ કચેરીના પી. જી.વી.સી.એલ ના અધિક્ષક ઈજનેર દ્વારા વિગતો આપતાં જણાવ્યું હતુ કે, અમારા વિસ્તારમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા હેઠળ જૂનાગઢ શહેર, જૂનાગઢ ગ્રામ્ય, ભેંસાણ, વિસાવદર, વંથલી, મેંદરડા, માણાવદર, વેરાવળ, તાલાળા, સુત્રાપાડા તાલુકા અને તે વિસ્તારના ગામડાઓનો સમાવેશ થાય છે. આ બધા જ ગામડા વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં આવે છે, તે મુજબ ગતરોજ આવેલા પવન અને ભારે વરસાદમાં સંખ્યાબંધ ગામોની વીજ પ્રવાહ બંધ થવાની ફરિયાદો અમને મળી હતી.

આ ફરીયાદો મળતા ૪૯ ઇજનેરો ,૫૪ ટીમ સ્ટાફ અને ૪૯ કોન્ટ્રાકટરની ટીમ વીજ પ્રવાહ પુન: પ્રસ્થાપિત કરવાની કામગીરીમાં કાર્યરત કરાવી દેવામાં આવી હતી. જેમાં અમારી ટીમને સફળતા પણ મળી છે. અમારી ટીમ દ્વારા ૩૬ સબ સ્ટેશન, ૫૧૩ ફીડરમાંથી કુલ ૨૬૬ બિન ખેતી ફીડરો ચાલુ કરી દીધા છે.

તદઉપરાંત જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની ૪૫ કોવિડ હોસ્પિટલ અવિરત વીજ પુરવઠો મળે તે માટેનું સુદ્રઢ આયોજન હાથ ધર્યું હતું. હોસ્પિટલને ડી.જી.સેટથી પાવર તત્કાલીન ચાલુ રહે તેનું પણ સતત નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે સાથે જૂનાગઢ અને વેરાવળના શહેરી વિસ્તારોમાં ત્વરિત વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરેલો છે.

જૂનાગઢ સર્કલમાં જૂનાગઢ જિલ્લાના ૩૧૬ ગામ અને ગીર સોમનાથ જિલ્લાના 463 ગામો પૈકી ૩૭૪ ગામમાં વીજ પ્રવાહ પુન: પ્રસ્થાપિત કરી દેવામાં આવ્યો છે અને દરેક જીઆઈડીસીમાં વીજ પ્રવાહ પુન: પ્રસ્થાપિત કરી દેવામાં આવ્યો છે. બાકીના તમામ ગામોની વીજ પ્રવાહ પુન: પ્રસ્થાપિત કરવાનું વહેલી તકે પાર પાડવાનું ધ્યેય રાખવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.