///

કમલ હાસને નવા સંસદ ભવનને લઈને મોદી સરકાર પર સાધ્યું નિશાન

તાજેતરમાં PM મોદીએ નવા સંસદ ભવનનું ભૂમિ પૂજન કર્યું છે. ત્યારે આ નવા સંસદ ભવનના નિર્માણને લઈને વિવિધ રાજકીય પાર્ટીઓ સતત કેન્દ્ર સરકારની ટીકા કરી રહી છે. જેમાં હવે દક્ષિણની ફિલ્મોના સુપરસ્ટાર કમલ હાસને પણ નવા સંસદ ભવનને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

જેમાં તમિલનાડુમાં 2021 વિધાનસભા ચૂંટણી માટે પોતાની રાજકીય પાર્ટી મક્કલ નીધિ મય્યમ માટે ચૂંટણી અભિયાન શરૂ કરી ચૂકેલા કમલ હાસને સરકારને પ્રશ્ન પૂછ્યો છે કે, જ્યારે કોરોનાના કારણે દેશની અર્થ વ્યવસ્થા સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે, તો આટલો જંગી ખર્ચ કરવાની શું જરૂર હતી?

આ અંગે કમલ હાસને ટ્વીટ કરતાં કહ્યું છે કે, જ્યારે અડધો દેશ ભુખ્યો છે, કોરોનાના કારણે લોકો મરી રહ્યાં છે, તો નવું સંસદ ભવન કેમ? જ્યારે ચીનની પ્રખ્યાત દીવાલનું નિર્માણ થઈ રહ્યું હતું, ત્યારે હજારો લોકો મોતને ભેટ્યા, ત્યારે શાસકે કહ્યું કે, તેનું નિર્માણ લોકોની સુરક્ષા માટે થઈ રહ્યું છે. આદરણીય વડાપ્રધાન જી જવાબ આપો, કોઈ સુરક્ષા માટે 1000 કરોડ રૂપિયા નવી સંસદના નિર્માણ પાછળ ખર્ચાઈ રહ્યાં છે?

મહત્વનું છે કે, 10 ડિસેમ્બરે વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં નવા સંસદ ભવનનું ભૂમિ પૂજન કર્યું છે. જે સરકારના 20,000 કરોડના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ છે. નવુ સંસદ ભવન 2022 સુધી તૈયાર થઈ જવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે પોતાના અભિનય દ્નારા અનેક ફિલ્મફેર એવોર્ડ જીતી ચૂકેલા કમલ હાસને હવે તમિલનાડુની રાજનીતિમાં એક્ટિવ થયા છે.

કમલ હાલને ફેબ્રુઆરી 2018માં “મક્કલ નીધિ મય્યમ” નામે એક રાજનીતિક પાર્ટીની સ્થાપના કરી હતી. તેમની પાર્ટીએ 2019ની લોકસભા ચૂંટણીમાં તમિલનાડુમાં પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા. જો કે તેમની પાર્ટી એક પણ સીટ જીતી શકી નહતી. આટલુ જ નહીં મક્કલ નીધિ મય્યમને તમિલનાડુમાં માત્ર 4 ટકા વોટ જ મળ્યા હતા. કમલ હાસને તાજેતરમાં જ મદુરાઈમાં પોતાની પાર્ટી “મક્કલ નીધિ મય્યમ” માટે ચૂંટણી અભિયાન શરૂ કર્યું છે. કમલ હાસને પોતે વિધાનસભા ચૂંટણી લડવાની આશા વ્યક્ત કરી છે. કમલ હાસનની પાર્ટી ભ્રષ્ટાચાર, રોજગાર, ગ્રામીણ વિકાસ અને પીવાના પાણીની સુવિધા જેવા મુદ્દે ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.