///

કર્ણાટકના કૃષિ પ્રધાને આપઘાત કરનારા ખેડૂતોને ગણાવ્યા કાયર

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન આજે સતત 9માં દિવસે યથાવત છે, ત્યારે આ વચ્ચે કર્ણાટકના કૃષિ પ્રધાન બીસી પાટિલે વિવાદિત નિવેદન આપ્યું છે. જેમાં તેમણે આત્મહત્યા કરનારા ખેડૂતોને કાયર ગણાવ્યાં છે.

કર્ણાટકની યેદિયુરપ્પા સરકારમાં પ્રધાન પાટિલે ગુરુવારે કહ્યું કે, જે ખેડૂતો આત્મહત્યા કરે છે, તેઓ કાયર છે. એકમાત્ર કાયર જ આત્મહત્યા કરે છે, તે પોતાની પત્ની અને બાળકોની સંભાળ નથી કરી શકતો. જો આપણે પાણીમાં પડીએ છીએ, તો આપણે તરવું પડશે અને જીતવું પડશે.

તો સાથે જ કોડાગુ જિલ્લાની પોન્નમપેટમાં ભાજપ નેતાએ ખેડૂતોની એક સભાને સંબોધતા આગળ કહ્યું કે, કાયરોને એ વાતનો ખ્યાલ જ નથી કે, કૃષિનો ધંધો લાભદાયક છે, પરંતુ પોતાનો જીવ લઈ લે છે. તેમણે સોનાની બંગડી પહેરવાવાળી એક મહિલાનું ઉદાહરણ આપતા કહ્યું કે, મેં જ્યારે મહિલાને પૂછ્યું કે, તેના હાથ સોનાની બંગડીઓથી ભરેલા કેમ છે? તો તમે જાણો છો એ મહિલાએ મને શું જવાબ આપ્યો? આ 35 વર્ષોની આકરી મહેનતના બદલે મારી ધરતી માતાએ મને આપ્યા છે. જ્યારે કૃષિ પર નિર્ભર એક મહિલા આટલું બધું પ્રાપ્ત કરી શકે છે, તો અન્ય ખેડૂતો કેમ નહી?

તો બીજી તરફ કર્ણાટક કોંગ્રેસના પ્રવક્તા વીએસ યુગરપ્પે કૃષિ પ્રધાનના નિવેદનની ટીકા કરી છે. તેમણે ભાજપ નેતાના નિવેદનને ખેડૂતોનું અપમાન ગણાવ્યું છે અને માફીની માંગ કરી છે. તેમણે કહ્યું કે, કોઈ ખેડૂત પોતાનું જીવન ટૂંકાવવા નથી માંગતો, પરંતુ પુર અને દુષ્કાળ જેવા મોટા કારણો છે, જેનું કોઈ સમાધાન નથી થઈ શક્યું. આ સમસ્યાઓની ગંભીરતાને સમજ્યા વિના પ્રધાન બેફામ નિવેદન આપી રહ્યાં છે.

જોકે કર્ણાટકના કૃષિ પ્રધાને ખેડૂતોને લઈને આપેલા નિવેદનથી વિવાદ વકરતો જોઈને સ્પષ્ટતા કરી હતી. બીસી પાટીલે કહ્યું કે, મેં કહ્યું હતું કે, જે કોઈ આત્મહત્યા કરે છે, તે કાયર છે. મેં ક્યારેય નથી કહ્યું કે ખેડૂતો કાયર છે. સરકારે ખેડૂતોને સાચવવા જ જોઈએ અને તેઓ આત્મહત્યા ના કરે તે જોવું જોઈએ. માત્ર ખેડૂત જ નહી, જે કોઈ પણ આત્મહત્યા કરે છે, તે કાયર છે.

Leave a Reply

Your email address will not be published.