12 જ્યોતિર્લિગમાં પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કરવા રોજ હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટે છે, પરંતુ હાલ કોરોના મહામારીને પગલે ભાવિકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા કાર્તિક મહિનામાં યોજાતો કાર્તિકી પૂર્ણિમાના પાંચ દિવસના મેળાના આયોજનને રદ કરવામાં આવ્યું છે.
આ સમગ્ર માહિતીમાં સોમનાથ ટ્રસ્ટના સચિવ પી.કે. લહેરીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, દર વર્ષે યોજાતો કાર્તિકી પૂર્ણિમાનો મેળો આ વર્ષે યોજાશે નહીં. સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં કાર્તિકી અગિયારસથી પૂનમ સુધી આ મેળો યોજાય છે. આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે, પરંતુ હાલ કોરોના મહામારીને પગલે સંક્રમણ વધે નહીં તે માટે મેળો રદ કરવામાં આવ્યો છે.