///////

કેશુબાપાના રાજકીય સફર પર એક નજર

રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઇ પટેલનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે, તેઓ થોડા સમય પહેલા કોરોના પોઝિટિવ પણ આવ્યા હતા અને સ્વસ્થ પણ થયાં હતા. જો કે ત્યારબાદ તેમને હાર્ટ અટેક આવતા તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું.

જન્મ

કેશુબાપા તરીકે જાણીતા કેશુભાઈનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. કેશુભાઈએ જાહેર અને રાજકીય જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે.

એક સમયે ઘંટી ચલાવતા

મચ્છુ 1ના નિર્માણ સમયે સાઈટ પર અનાજ દળવાની ઘંટી ચલાવતા: વર્ષ 1943માં નિર્માણ પામેલા મચ્છુ 1 ડેમના ચણતરકામ દરમિયાન માત્ર 15 વર્ષીય કેશુભાઇ પટેલ ત્યાં અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા.

લતિફ સામે થયા હતા કેશુબાપા

લતિફના ગઢ એવી પોપટીયાવાડ પોલીસ પણ દરોડા પાડી શક્તી નહોતી અને બિનમુસ્લિમ તે વિસ્તારમાં પ્રવેશવાની હિંમત કરતા નહોતા. પરંતુ લોકોના મનમાંથી લતીફનો ડર દૂર કરવા ભાજપે પોપટિયાવાડમાં જ લોકદરબાર યોજવાનું નક્કી કર્યું હતું. કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓને વિશ્વાસમાં લઈને ભાજપે કેશુભાઈની હાજરીમાં પોપટિયાવાડમાં લોકદરબાર યોજ્યો અને તેને ખૂબ સફળતા મળી હતી. અહીંથી ભાજપને ચૂંટણીનો મુદ્દો મળ્યો અને 1995ની ચૂંટણીઓ લતિફને ગુંડાગીરી અને આતંકનો એક ચહેરો બનાવી ભાજપે કોંગ્રેસ સામે આક્રમક પ્રચાર કર્યો હતો.

ભાજપને જંગી બહુમતી મળી

કેશુભાઈના નેતૃત્વમાં ભાજપે પહેલીવાર સત્તા મેળવી હતી. 1990માં ભાજપે ચીમનભાઈ પટેલના પક્ષ જનતા દળ સાથે સમજૂતી કરી હતી. ચીમનભાઈના પક્ષને ભાજપ કરતાં માત્ર 3 જ બેઠકો વધારે મળતાં તેઓ મુખ્યપ્રધાાન બન્યા અને કેશુભાઈ પટેલ ભાજપ-જનતા દળની સંયુક્ત સરકારમાં નંબર-2 બન્યા હતાં. પરંતુ ભાજપે 1995ની ચૂંટણીઓમાં કોઈ પક્ષ સાથે બેઠકોની સમજૂતી કરી નહીં અને કેશુભાઈના નેતૃત્વમાં એકલે હાથે ભાજપને 121 બેઠકો સાથે જંગી બહુમતી મળી હતી.

17ની ઉંમરમાં RSSમાં જોડાયા

કેશુભાઈ પટેલ 1945માં 17ની વયે રાષ્ટ્રીય સ્વયસેવક સંઘમાં પ્રચારક તરીકે જોડાયા હતા. ત્યાર બાદ વર્ષ 1960માં તેઓ જનસંઘમાં કાર્યકર્તા તરીકે જોડાઈને રાજકીય કરિયરની શરૂઆત કરી હતી.

કેશુભાઇ પટેલે કટોકટી કાળ દરમિયાન જેલવાસ ભોગવ્યો હતો. કેશુભાઈ 1977માં રાજકોટથી લોકસભા ચૂંટણી લડ્યાં. ત્યાર બાદ તેમણે 1978થી 1980 દરમિયાન બાબુભાઈ પટેલની જનતા મોરચાની સરકારમાં કૃષિપ્રધાન તરીકેની જવાબદારી સંભાળી હતી.

1995માં ભાજપને જીત અપાવી

વર્ષ 1978થી 1995 દરમિયાન બાપા કાલાવડ, ગોંડલ અને વિસાવદર બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતાં. આ દરમિયાન વર્ષ 1980માં જનસંઘનું વિલીનીકરણ થતા તેઓ નવી બનેલી ભાજપમાં વરિષ્ઠ આયોજકની ભૂમિકામાં ઉભરી આવ્યા. કેશુભાઈએ નેશનલ કોંગ્રેસ સામે ચૂંટણી પ્રચારની જવાબદારી લીધી અને પરિણામે 1995માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને શાનદાર જીત અપાવી.

1995માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા

કેશુભાઈ માર્ચ-1995માં ગુજરાતનાં મુખ્યપ્રધાન બન્યા હતાં. પરંતુ કેશુભાઈનાં તે સમયના સાથી અને પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ બળવો કરતા કેશુભાઈએ 8 મહિનામાં રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યારબાદ 1998માં ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને તેઓ મુખ્યપ્રધાન બન્યા.

ભૂકંપના પગલે રાજીનામું

26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો અને ઓક્ટોબર 2001માં સત્તાના દુરુપયોગ, ભ્રષ્ટાચાર અને ભૂકંપમાં નબળી રાહત કામગીરીના આરોપ બદલ કેશુભાઈએ રાજીનામું આપી દીધું. કેશુભાઈના રાજીનામાને પગલે ભાજપ હાઈકમાન્ડે કેશુભાઈના સ્થાને નરેન્દ્ર મોદીને મુખ્યપ્રધાન બનાવ્યા હતાં.

2012માં GPPની સ્થાપના કરી

2002માં તેઓ વિધાનસભા ચૂંટણી ન લડ્યાં અને રાજ્યસભા સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયા. ત્યારબાદ ભાજપમાંથી રાજીનામુ આપી કેશુભાઈએ ઓગસ્ટ 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટી(GPP) ની રચના કરી અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેઓએ વિસાવદર બેઠક પરથી જીત મેળવી.

સોમનાથમાં ટ્રસ્ટી હતા

2012ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ માત્ર બે વર્ષના સમયગાળામાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું. ત્યારબાદ વર્ષ 2014ની શરૂઆતમા જ GPPના અધ્યક્ષ પદેથી પણ રાજીનામું આપી રાજકીય સંન્યાસ લીધો. જોકે હાલ તેઓ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી હતી.

કેશુભાઈનું પારિવારિક જીવન

કેશુભાઈના અંગત જીવનની વાત કરવામાં આવે તો તેઓએ લીલા બેન સાથે લગ્ન કર્યા હતાં. લગ્ન જીવન દરમિયાન તેઓ પાંચ પુત્ર અને એક પુત્રીના પિતા બન્યા હતાં. કેશુભાઈનાં પત્ની લીલાબેન પટેલ તેઓના ગાંધીનગર ખાતેના ઘરમાં એક્સરસાઈઝ રૂમમાં શોર્ટ સર્કિટ થતા વર્ષ 2006માં મૃત્યુ પામ્યા હતા. જ્યારે ગત વર્ષે તેમના પુત્ર પ્રવીણ પટેલનું નિધન થઈ ગયું હતું.

Leave a Reply

Your email address will not be published.