///

કિસાન આંદોલન: મોદી સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત કરવા માટે મોદી સરકાર તૈયાર થઈ ગઈ છે. જેમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે, સરકાર ખેડૂતોની સમસ્યાને લઈને ગંભીર છે. આ મામલે ચર્ચા પણ હાથ ધરવામાં આવી છે.

કૃષિ પ્રધાને જણાવ્યું કે, સરકાર તરફથી 3 ડિસેમ્બરે આ મામલે બેઠક બોલાવવામાં આવી છે. જેમાં પુન: ચર્ચા કરવા માટે તેમને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ દરમિયાન તેમણે ખેડૂતોને આંદોલનનો માર્ગ છોડીને વાતચીત માટે આગળ આવવાની અપીલ કરી છે. સાથે જ તેમણે કહ્યું કે, હું તમને વિશ્વાસ અપાવું છું કે, જ્યાં સુધી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, ત્યાં સુધી ખેડૂતોને નુક્સાન નહીં થવા દઈએ.

તેમણે વધુમાં કહ્યું કે, 3 ડિસેમ્બરે જે બેઠક બોલાવવામાં આવી છે. તેમાં કિસાન યુનિયન તરફથી જે પ્રસ્તાવ રાખવામાં આવશે તેના પર સરકાર ગંભીરતાથી વિચાર કરશે. MSP સમાપ્ત નહીં કરવામાં આવે. ખેડૂતો માટે મોદીના શાસનકાળમાં કોંગ્રેસના શાસન કરતાં વધુ સારું કામ થયું છે. આ દરમિયાન કૃષિ પ્રધાને કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કરતાં કહ્યું કે, રાહુલ ગાંધી બિલ પર વાત કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી ધરાવતા. કોંગ્રેસ નેતા જૂઠ્ઠુ બોલી રહ્યાં છે. અમારે શું કરવું અને શું ના કરવું? તેના માટે રાહુલ ગાંધીની સલાહ લેવાની કોઈ જરૂર નથી.

આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂતોના આંદોલનનુ સમર્થન કર્યું હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, મોદી સરકારે ખેડૂતોની માંગો માનવી પડશે અને ખેડૂત વિરોધી કાળા કાયદા પાછા લેવા પડશે.

Leave a Reply

Your email address will not be published.