///

કિસાન આંદોલન: રવિશંકર પ્રસાદે ટ્વિટ કરી કહ્યું, APMC ચાલુ રહેશે

કૃષિ કાયદાના વિરૂદ્ધમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત રાજ્યોમાં ખેડૂત આંદોલન સળંગ પાંચમાં દિવસે પણ યથાવત છે. ત્યારે આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, દેશભરમાં મંડીઓ પૂરી નહી થાય, પરંતુ ચાલતી રહેશે. નવો કાયદો એપીએમસી મંડીઓને ખતમ કરતો નથી. મંડીઓ પહેલાની જેમ ચાલતી રહેશે. નવા કાયદાથી ખેડૂતોને તેનો પાક સમગ્ર દેશમાં વેચવાની આઝાદી છે. હવે જે પણ ખેડૂતને સારો ભાવ આપશે તે તેની પાસેથી માલ ખરીદી શકશે, પછી તે મંડી હોય કે તેની બહારની વાત હોય.

ખેડૂતોએ સિંધુની સાથે ટિકરી અને દિલ્હી-યુપી બોર્ડર પર મોરચો સંભાળ્યો છે. આ દરમિયાન દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, સિંધુ અને ટિકરી સરહદ પર તમામ પ્રકારનો વાહન વ્યવહાર પૂરી રીતે રોકી દેવામાં આવ્યો છે. સાથે જ હરિયાણા તેમજ પંજાબના ખેડૂતો રવિવારે હરિયાણા સાથે જોડાયેલા ગામડાઓના રસ્તે દિલ્હીમાં પ્રવેશ કરી લીધો છે. દિલ્હીમાં પ્રવેશ કર્યા પછી તે સિંધુ બોર્ડર પર જ રોકાયા છે. રવિવારે સાંજે એકબાજુએ ખેડૂતો દેખાવ કરી રહ્યા હતા અને બીજી બાજુ પોલીસ ગોઠવાયેલી હતી.

આ દરમિયાન પંજાબના અમૃતસરથી આવેલો ખેડૂતોનો જથ્થો સોનીપત થઈને હરિયાણાની સરહદ પર જોડાયેલા દિલ્હીના ગામડામાં ઘૂસી ગયો. ટ્રેક્ટરો લઈને આવેલો ખેડૂતોનો મોટો જથ્થો એટલી સરળતાથી દિલ્હીમાં પ્રવેશી ગયો કે તેની કોઈને ખબર પણ ન પડે. દિલ્હી પોલીસના એક ટોચના અધિકારી ખેડૂતોને વારંવાર સંત નિરંકારી મેદાનમાં જવાની અપીલ કરતા રહ્યા. પરંતુ ખેડૂતોએ પોલીસની વાત ન માની અને ત્યાં જ કેન્દ્ર સરકાર સામે નારાબાજી કરવા લાગ્યા.

રવિવારના દિવસે ભારતીય ખેડૂત યુનિયનના ક્રાંતિકારી પંજાબના વડા સુરજીતસિંહ ફુલના વડપણ હેઠળ સોનીપતમાં 30 ખેડૂતોની બેઠકમાં કેન્દ્ર સરકારના મંત્રણાના પ્રસ્તાવને ફગાવી દેવાયો, જેમાં બુરાડીમાં પ્રદર્શનની વાત કરી હતી. રવિવારની સાંજે દિલ્હી-હરિયાણાની સુંધિ સરહદ પર આયોજિત પત્રકાર પરિષદમાં સુરજીતસિંહ ફુલે જણાવ્યું હતું કે, ખેડૂત બહારના દિલ્હીમાં બુરાડી સ્થિત સંત નિરંકારી મેદાનમાં નહીં જાય. પંજાબ, હરિયાણા અને યુપીના ખેડૂત દિલ્હીને ચારેય બાજુથી ઘેરીને કેન્દ્રને માંગો પૂરી કરવા માટે વિવશ કરી દેશે. ખેડૂત છ મહિનાનું રાશન લઈને આવ્યા છે. આમ સરકાર જ્યાં સુધી તેમની માંગોને માનતી નથી ત્યાં સુધી તેઓ ધરણા આપતી રહેશે.

આ અંગે રવિવારે સાંજે ભાજપના રાષ્ટ્રીય વડા જેપી નડ્ડાના નિવાસસ્થાને એક ઉચ્ચસ્તરીય બેઠકમાં તેના પર ચર્ચા કરવામાં આવી હતી. ભાજપના વડાની આ બેઠકમાં થયેલી ચર્ચામાં ગૃહપ્રધાન અમિત શાહ, કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર તેમજ રક્ષાપ્રધાન રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.