//

કિસાન આંદોલન : આજે દિલ્હી કૂચ માટે પંજાબ અને હરિયાણાથી રવાના થશે ટ્રેક્ટર

દિલ્હીમાં સરકાર તરફથી વાતચીત માટેના પ્રસ્તાવ છતાં 6 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનનો અંત નથી આવી રહ્યો. જેમાં પંજાબ અને હરિયાણા તરફથી ખેડૂતો દિલ્હી આવવા માટે તૈયારી કરી રહ્યાં છે. ખેડૂતો દ્વારા જામ કરવામાં આવેલા દિલ્હીના હાઈવે પર ખેડૂતોની સંખ્યા વધવા જઈ રહી છે, જે બાદ દિલ્હીવાસીઓની મુશ્કેલી પણ વધી જશે.

તો બીજી બાજુ મંગળવારે સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે થયેલી વાતચીત નિષ્ફળ નીવડી હતી. બપોરે 3 વાગ્યે શરૂ થયેલી આ બેઠક સાંજે 7 વાગ્યે સમાપ્ત થઈ હતી. જેમાં સરકારે ખેડૂત આગેવાનોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ પોતાની માંગ પર અડગ રહ્યાં હતા.

આ અંગે સરકાર સાથે વાતચીતનો હિસ્સો રહેલા ખેડૂત નેતા ચંદાસિંહે કહ્યું કે, કૃષિ કાયદા વિરુદ્ધ અમારું આંદોલન યથાવત રહેશે. અમે સરકાર પાસેથી કશુંક તો પરત લઈને જ જઈશું. અમે વાતચીત માટે ફરીથી આવીશું. હવે સરકાર અને ખેડૂતો વચ્ચે આગામી 3 ડિસેમ્બરે વાતચીત થશે. સરકાર સાથેની વાતચીત બાદ ખેડૂત સંગઠનના પ્રતિનિધિએ કહ્યું કે, ખેડૂતો કૃષિ કાયદા વિરુદ્ધ રસ્તા પર છે. અમે માંગ મૂકી છે કે, સરકારે આ કાયદા પરત લેવા પર વિચાર કરવો જોઈએ.

પંજાબ અને હરિયાણાની પંચાયતોની અપીલ પર સેંકડો ખેડૂત લોકો પાસેથી રાશન, દવા અને જરૂરિયાતની વસ્તું એકઠી કરી રહ્યાં છે. આ સામાનને ટ્રેક્ટરો પર લાદવામાં આવી રહ્યો છે. જે બુધવારે દિલ્હી જવા રવાના થશે.

Leave a Reply

Your email address will not be published.