////

દેશના સૌપ્રથમ ‘માઈગ્રન્ટ સેલ’નો રાજ્યના આ શહેર ખાતેથી થયો પ્રારંભ

કેન્દ્રીય પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ અને સ્ટીલ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રવાસી શ્રમિકો માટે ઉધનામાં આવેલી સુરતી આઈલેબ ખાતે ‘માઈગ્રન્ટ સેલ’ નો શુભારંભ કરાવ્યો હતો.

સિટીલાઈટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે આયોજિત સમારોહમાં પ્રધાને જણાવ્યું હતુ કે, સુરત શહેર સમગ્ર દેશમાં રોજગારી, સ્વચ્છતા, સુવ્યવસ્થિત પ્રશાસન જેવા ક્ષેત્રોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને માઈગ્રન્ટ શ્રમિકો માટે સૌથી ઝડપી “માઈગ્રન્ટ સેલ”નો શુભારંભ કરીને સમગ્ર દેશમાં દાખલો બેસાડયો છે.

દેશના વિવિધ રાજ્યો મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઓડિશાથી આવેલા માઈગ્રન્ટ લેબર ક્યાં અને કેટલા રહે છે તેનો સમગ્ર ડેટાબેઝ આ સેલમાં ઉપલબ્ધ થશે. જેનાથી આગામી સમયમાં પ્રવાસી શ્રમિકોને સન્માનજનક જિંદગીની સાથે આવાસ, સ્વાસ્થ્ય, ઈન્સ્યોરન્સ સહિતની સેવાઓ વધુ સુદ્રઢ બનશે તેવી કટિબદ્ધતા આ પ્રસંગે તેમણે વ્યકત કરી હતી.

વધુમાં પ્રધાને જણાવ્યું હતું કે, ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત બે સ્વદેશી વેક્સીનને મંજૂરી મળી છે જે ટુંક સમયમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ સહિત તમામ લોકોને તબક્કાવાર આપવામાં આવશે.

આ તકે પ્રધાનના હસ્તે આવાસ તથા શ્રમયોગી ઓળખકાર્ડ તથા લોન સહાયના ચેક શ્રમિકોને એનાયત કરાયા હતાં. આ પ્રસંગે પૂર્વ મેયર જગદીશભાઈ પટેલ, સુડાના સી.ઈ.ઓ.ક્ષિપ્રા અગ્રે સહિત વિવિધ રાજયોના શ્રમયોગીઓ સાથે સંકળાયેલા અગ્રણીઓ, શ્રમિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published.