
સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં કોરોના વાયરસ ફેલાયેલો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આ વાયરસને મહામારી જાહેર કરેલ છે. આજે વિશ્વના 199 ઉપરાંત દેશોમાં આ રોગ અતિ તીવ્રતાથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે હજારો લોકો મોતનો શિકાર બન્યા છે. આજે સમગ્ર ભારત સહિત ગુજરાત રાજ્યમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. તો 21 દિવસ માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. લોકડાઉન જાહેર કર્યા બાદ પ્રજાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોને પોતાના ઉનાળુ પાક જેવા કે, મગફળી, તલ, ચણા વગેરે પાકો માટે જરૂરી ખાતર, જંતુનાશક દવા વગેરે મ મળવાથી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ત્યારે વિરોધ પક્ષના નેતા દ્વારા ખેડૂતોને જંતુનાશક દવા, યુરિયા ખાતર વગેરેનો પૂરતો જથ્થો ઉપ્લબ્ધ કરાવવા અપીલ કરવામાં આવી છે. સમગ્ર રાજ્યલમાં યુરિયા ખાતર, જંતુનાશક દવા વગેરેનો જથ્થો ઉપલબ્ધ ન હોવાના કારણે ખેડૂતો પોતાનો ઉભો પાક બચાવી શકે તેવી સ્થિતિમાં નથી. જેથી જગતના તાની પરેશાનીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારને રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાનો જથ્થો તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા અને વિક્રેતાઓને આંશિક સમય માટે દુકાનો ખોલવા મંજુરી આપવા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા ભલામણ કરવામાં આવી છે.