////

મહુવાના કસાણ ગામે દીપડાએ કર્યો હુમલો, યુવતીનું મોત

ભાવનગરના મહુવા અને જેસર પંથકમાં દીપડાની રંજાડ વધી છે. હવે તો આ દીપડાઓ માણસોને પણ શિકાર બનાવી રહ્યાંના અનેક બનાવો સામે આવવા લાગ્યા છે. વન વિભાગના અથાગ પ્રયત્નો છતાં માનવભક્ષી બની ગયેલાં દીપડાઓ પાંજરે પૂરાતા નથી. આવો જ એક બનાવ ગઈકાલે મહુવા તાલુકાના કસાણ ગામે વાડી વિસ્તારમાં બન્યો હતો. અહીં દીપડાએ હુમલો કરતા એક યુવતીનું મોત નિપજ્યું છે.

મહુવા તાલુકાના કસાણ ગામે 20 વર્ષની યુવતી ઉપર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. ગામના જીવનભાઈ મકાભાઈ માણીયાની વાડીમાં આરતીબેન શામજીભાઈ મકવાણા નામની યુવતી કપાસ વીણતી હતી. ત્યારે દીપડાએ અચાનક હુમલો કર્યો છે. જે બાદમાં યુવતીને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ પીડિત યુવતીનો પરિવાર ગોપનાથ-રાજપરાનો મૂળ રહેવાસી છે. જેમણે જીવનભાઈ મકાભાઇની વાડીમાં કપાસ વીણવાનું કામ રાખ્યું હતું. આ દરમિયાન સાંજના 7 કલાકે યુવતી પર દીપડાએ હુમલો કર્યો હતો. યુવતી પર દીપડાએ હુમલો કર્યા બાદ તેને મહુવા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.