/

આરોગ્ય કર્મચારીઓની જેમ પોલીસ અને મિડિયા માટે પણ પેકેજ જાહેર કરો : મનોજ રાઠોડ

રાજકોટ

કોરોના વાઇરસના પગલે કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓ માટે રૂપિયા ૫૦ લાખના વીમા સહિત રૂ. ૧.૭૦ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. ત્યારે ગુજરાત સરકારે પણ પોલીસ અને મિડિયા કર્મચારીઓ માટે આવાં જ પ્રકારનું વિશેષ પેકેજની જાહેરાત કરવી જોઈએ તેવી અપીલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી અને લોધિકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજ રાઠોડે કરી છે. મનોજ રાઠોડે જણાવ્યું છે કે, કોઇપણ પ્રકારની કુદરતી કે માનવસર્જિત આફત સમયે પોલીસ વિભાગના અધિકારીઓ સહિત તમામ કર્મચારીઓ ખડેપગે કામગીરી કરે છે.  પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જીવની પણ પરવા કર્યા વગર ફરજ બજાવવામા આવે છે.

મનોજ રાઠોડે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી ગણાતા વિજયભાઈ રૂપાણીને લાગણીભીની અપીલ કરતા કહ્યું હતું કે, જ્યારે સમગ્ર દેશમાં કોરોના વાઇરસે  કહેર વર્તાવ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાં લોકડાઉન જાહેર કર્યું છે ત્યારે પોલીસ તંત્ર પોતાના પરિવારની પણ પરવા કર્યા વગર લોકડાઉનનો કડક અમલ કરાવવા રાત દિવસ ફરજ બજાવી રહ્યું છે. પોલીસ તંત્રની આ કામગીરીની કદરરૂપે રાજ્ય સરકાર દ્વારા ખાસ રાહત પેકેજ જાહેર કરવું જોઈએ. મનોજ રાઠોડે ઉમેર્યું છે કે. કોરોના વાઇરસ સામે સરકાર દ્વારા લેવાતા પગલાં સહિત લોક જાગૃતિ લાવવા માટે રાજ્યભરમાં મિડિયા કર્મચારીઓ પણ સતત કામગીરી કરી રહ્યા છે. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના કર્મચારીઓ દ્વારા સરકાર દ્વારા લેવાતા પગલાંને લોકો સુધી પહોંચાડી લોક જાગૃતિનું કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારે આવા મિડિયા કર્મચારીઓ માટે પણ વીમા કવચ કે અન્ય રાહત પેકેજ જાહેર કરવાની જરૂર છે.

આ માટે રાજ્ય સરકાર સંબંધિત મિડિયા સંચાલકો પાસેથી તેમના કર્મચારીઓના નામની યાદી મંગાવી કાર્યવાહી કરવી જોઈએ તેવી અપીલ પણ મનોજ રાઠોડે કરી છે. તેમણે એ વાતની યાદ અપાવી હતી કે, અગાઉની રાજ્ય સરકારો દ્વારા મિડિયા કર્મચારીઓ માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી હતી. આમાંની કેટલીક યોજનાઓ હાલમાં બંધ પડી છે. રાજ્ય સરકાર આવી બંધ પડેલી યોજનાનો અભ્યાસ કરી જે યોગ્ય જણાય તેનો ફરીથી અમલ શરૂ કરાવે અને હાલના સમયમાં  કોરોના વાઇરસ સામે સરકાર દ્વારા લેવાતા પગલાંને ઘેર ઘેર પહોંચાડતા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના કર્મચારીઓ માટે પણ વિશેષ રાહત પેકેજ જાહેર કરે તેવી માગણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી અને લોધિકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજ રાઠોડે અંતમાં ઉચ્ચારી છે.

Leave a Reply

Your email address will not be published.