////

ઉનાળાની કાળઝાળ ગરમી હજુ શરૂ પણ નથી થઇ ત્યાં ઉત્તર ગુજરાતમાં પાણીની પરોજણ

સાબરકાંઠા જિલ્લામાં આવેલા જળાશય ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન પૂર્ણ સપાટીએ ભરાયા ન હોવાને લઇ આગામી સમયમાં પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે સમસ્યા સર્જાઈ શકે છે. જિલ્લાના ગુહાઈ જળાશયમાં ઉનાળા પૂર્વે જ નહિવત પાણીના જથ્થાને લઈ સ્થાનિકો ચિંતિત બન્યા છે.

સાબરકાંઠા જિલ્લામાં આવેલા જળાશય પૈકીના ગુહાઈ જળાશય આજુબાજુના સ્થાનિકો માટે આશીર્વાદ સમાન છે, પરંતુ ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ગુહાઈ જળાશય પૂર્ણ સપાટીએ ભરાયો ન હોવાને લઇ આગામી ઉનાળા સિઝનમાં સમસ્યા સર્જાવાની શક્યતાઓ સેવાઇ રહી છે. ગુહાઈ જળશાય પીવાના પાણી સહિત સિંચાઇ માટે પાણી પૂરું પાડે છે, પરંતુ હાલમાં નહિવત પાણીના જથ્થાએ સ્થાનિકોને ચિંતિત કર્યા છે. ગુહાઈ જળાશયમાં 10.95 mcm (મિલિયન ક્યુબીક મીટર) જથ્થો હાલમાં છે જેમાંથી 3.42 mcm જીવંત જથ્થો છે.

તો બીજી તરફ રોજે રોજ પીવા માટે આપવામાં આવતા પાણી સહિત જળશયમાંથી બાષ્પીભવન થતા પાણી સાથે રોજનું 2 સેન્ટિમીટર પાણી ઘટી રહ્યું છે. ત્યારે આગામી ઉનાળા સિઝન દરમિયાન ખેડૂતોને સિંચાઈનું લાભ આપવાની શક્યતાઓ નહિવત છે, ત્યારે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. ઉનાળુ પાકનું વાવેતર કરતા ખેડૂતો માટે સિંચાઇનું પાણી મળવું મુશ્કેલ છે. બાજરી, જુવાર, દિવેલા અને લીલો ઘાસચારો કેનાલ આધારિત ખેતી કરી પકવતા ખેડૂતો માટે આગામી સમય ચિંતાજનક છે, ત્યારે ખેડૂતો પણ નર્મદાના પાણી ડેમમાં નાખી ખેડૂતોની સમસ્યા હલ કરવા સરકારને વિનંતી કરી રહ્યા છે.

એક તરફ ખેડૂતોની સિંચાઇ તો બીજી તરફ જળાશયની આજુ બાજુના ગામ અને હિંમતનગર શહેરના સ્થાનિકોને પીવાનું પાણી પૂરું પાડતો ગુહાઈ જળશાય ચાલુ સાલે ઉનાળા પૂર્વેજ નહિવત જથ્થા સુધી પહોંચ્યો છે ત્યારે આગામી સમયમાં પાણીની પરોજણ ઉભી થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. ગુહાઇ જળાશય થકી આજુબાજુના ત્રણ હજાર હેકટર જમીનમાં સિંચાઇ પુરી પાડવામાં આવે છે તો સાથે જ ઇડર તાલુકાના 60 ગામ, હિંમતનગર સહિત તાલુકાના 80 ગામને પીવાનું પાણી પૂરું પાડે છે, ત્યારે હવે જળાશયમાં પાણીના નહિવત જથ્થાને લઈ ઉનાળુ સિઝન દરમિયાન ખેડૂતોને સિંચાઇનું પાણી આપી શકાય એ સ્થિતિ નથી, ત્યારે ખેડૂતોની માગણી પ્રમાણે આગામી સમયમાં સિંચાઇ સલાહકાર સમિતિની બેઠક મળ્યા બાદ ખેડૂતોને સિંચાઇ આપવી કે નહીં એ નિર્ણય લેવામાં આવશે. ઉનાળા સિઝનની શરૂઆત થતાની સાથે જ પાણીની પરોજણ શરૂ થઈ છે, ત્યારે ઉનાળુ પાકની વાવણી કરતા ખેડૂતો સિંચાઇ માટે ચિંતિત બન્યા છે, ત્યારે તંત્ર દ્વારા નર્મદાના પાણી ગુહાઇ જળાશયમાં લાવીને ખેડૂતોની ચિંતા દૂર કરશે કે પછી ખેડૂતોએ વધુ એક ફટકો સહન કરવો પડશે તે તો આગામી સમય જ બતાવશે.

Leave a Reply

Your email address will not be published.