///

વડોદરામાં સનફાર્મા કંપનીના ઝેરી ગેસથી સ્થાનિક લોકો પરેશાન

વડોદરા શહેરમાં શિયાળાની ઋતુમાં અનેક કંપનીઓ રાત્રે હવામાં ઝેરી ગેસ છોડતા હોવાની ફરિયાદ સામે આવી છે. જેમાં સન ફાર્મા રોડ પર આવેલી સન ફાર્મા કંપની પર સ્થાનિક લોકો દ્વારા રાત્રે ઝેરી ગેસ છોડતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઝેરી ગેસના કારણે આસપાસની સોસાયટીઓમાં રહેતા લોકોને રાત્રે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. સાથે જ લોકોની આંખમાં બળતરા પણ થાય છે. ઉપરાંત લોકોને ઘરના બારી બારણા બંધ રાખવાની ફરજ પડે છે.

સન ફાર્મા કંપનીની આસપાસ રહેતા લોકોએ કંપનીમાં ફોન કરીને અનેકવાર ગેસ ના છોડવા બાબતે રજૂઆત કરી હતી. તેમ છતાં કંપની સંભાળતી ન હોવાથી લોકો રોષે ભરાયા છે. સ્થાનિક લોકોએ વડોદરામાં આવેલી જીપીસીબી કચેરી પર અધિકારીને રજૂઆત કરી છે. તેમજ સંબંધિત અધિકારીને કંપની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

જોકે આશ્ચર્યની બાબત તો એ છે કે, સ્થાનિક લોકો આવેદનપત્ર આપવા પહોંચતા અધિકારી મીટિંગનું બહાનું કાઢીને ભાગતા હતા. એવામાં સ્થાનિક લોકોએ અધિકારીને કચેરીની બહાર પકડી ઉગ્ર રજૂઆત કરી હતી. સાથે જ કંપની સામે ત્વરિત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જો જીપીસીબી કંપની સામે કાર્યવાહી નહી કરે તો લોકો કંપની બહાર જ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.