///

ગુજરાતના વધુ એક રાજ્યસભાના સભ્યની તબિયત લથડી

રાજ્યમાં એક તરફ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં બે રાજ્યસભાના સાંસદોના કોરોના થયા બાદ ફેફસાની સારવાર દરમિયાન નિધન થતાં શોકની લાગણી ફરી વળી છે. ત્યારે આ વચ્ચે કોરોનાની સારવાર બાદ વધુ એક રાજ્યસભાના સાંસદની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે.

કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને બિહારના પ્રભારી તેમજ ગુજરાત રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલના સ્વાસ્થ્યને લઈને સમાચાર સામે આવ્યા છે. કોરોનાથી સ્વસ્થ થયા બાદ શક્તિસિંહ ગોહિલને હવે ફેફસાનું ઈન્ફેકશન થયું છે. ફેફસામાં ઈન્ફેકશન થતા હાલ તબીબોની દેખરેખ હેઠળ છે. કૉંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ ખુદે જ ટ્વિટ કરી આ અંગે માહિતી આપી હતી. તો પોતાના સમર્થકો અને કાર્યકરોને અપીલ કરી હતી કે, મુલાકાતીઓ સાથે વાત ન કરવા તબીબોએ સલાહ આપી છે. ત્યારે સ્વસ્થ થવામાં થોડો સમય લાગી શકે છે. આ સાથે જ સ્વાસ્થ્યની ચિંતા કરનારા તમામ શુભેચ્છકો અને સમર્થકોનો આભાર વ્યકત કર્યો.

નોંધનીય છે કે, અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાની સારવાર બાદ ફેફસામાં ઇન્ફેક્શનને કારણે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ અને અભય ભારદ્વાજનું નિધન થઈ ચૂક્યું છે. આ ઉપરાંત કોરોનાની ઝપેટમાં ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, પોરબંદરના સાંસદ રમેશ ધડૂક, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, અમદાવાદના બે સાંસદો કિરીટ સોલંકી અને હસમુખ પટેલ તેમજ નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published.