////

સુરત : કોરોનાગ્રસ્ત વિસ્તારમાં શનિ-રવિના દિવસે મોલ તથા લારી ગલ્લાં બંધ

રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે, જેના પગલે સુરતની મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં શહેરમાં સૌથી વધુ કેસ ધરાવતા અઠવા અને રાંદેર વિસ્તારમાં શનિ-રવિવારના દિવસે લારી તેમજ ગલ્લાની સાથે સાથે મોલ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

શહેરના આ બંને ઝોનમાં લોકોની ભારે ભીડ થતી હોવાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય ચોક, બરોડા પ્રિસ્ટેજ સહિતના ભીડભાડવાળા વિસ્તારોમાં પણ હાલ લારી ગલ્લા બંધ રાખવામાં આવ્યા છે.

સુરતના અઠવા અને રાંદેર ઝોનના વિસ્તારમાં વધી રહેલા કેસોને પગલે તંત્ર હરકતમાં આવી છે. જેના પગલે મહાપાલિકા કમિશ્નરના અધ્યક્ષપદ હેઠળ સોસાયટીના પ્રમુખો સાતે મહત્ત્વની બેઠક યોજાઈ હતી. રાંદેર ઝોન વિસ્તારમાં આવેલી 150 જેટલી સોસાયટીઓના પ્રમુખો-સેક્રેટરીઓ સાથે મીટિંગ કરવામાં આવી હતી. રાંદેર ઝોન વિસ્તારમાં વધી રહેલા કેસોનું પ્રમાણ ઘટાડવા માટે આ ખાસ મીટિંગ બોલાવવામાં આવી હતી. રાંદેર અને અઠવા ઝોનમાં પ્રતિ દિન 70થી વધારે કેસો આવવાના પગલે કમિશ્નરે આ પ્રકારની બેઠક કરવી પડી છે. બેઠકમાં મહાપાલિકા કમિશ્નર બંછાનિધી પાણી, ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

કોરોના વાઈરસના કેસો અમદાવાદ પછી સુરતમાં સૌથી વધારે જોવા મળી રહ્યા છે. જેના પગલે સુરતમાં જો પરિસ્થિતિમાં સુધારો ન થયો તો પહેલા કોર્પોરેશન અને પછી સરકાર દ્વારા વધુ આકરા પગલાં લેવાની ફરજ પડી શકે છે. વડોદરામાં કોરોનાના વધી રહેલા કેસોની સાથે કોરોનાના નિયમોનું પાલન ન કરવાના કારણે એક જ દિવસમાં ચાર મોલ સીલ થયા હતા. આ મોલને ત્રણ દિવસ માટે સીલ કરવામાં આવ્યા છે. જેમાં ઇવા મોલ, ઇનોરબીટ મોલ સેન્ટ્રલ મોલ અને રિલાયન્સ મોલને પણ સીલ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.